ભાદરવા મહિનામાં એક દિવસ માણસા પાસેના દાતા ગામમાં સત્સંગ કાર્યક્રમ રાખેલો. સવારે   7:00 વાગ્યે વાસણાથી નીકળી વિજાપુર, વિસનગર, માણસા કેટલીક પધરામણીઓ પતાવી દાતા ખાતે પ્રોગ્રામમાં પહોંચ્યા. દાતા ગામે પ્રોગ્રામ પતાવી 1:00 વાગ્યે વાસણા પરત પધાર્યા ને અડધા દિવસમાં તો લગભગ 300 કિ.મી.ની સફર થઈ. બપોરે વાસણા આવી ઠાકોરજી જમાડ્યા ને તરત જ સુરત જવા નિર્ધાર્યું. પૂ. સંતો તથા સાથેના કેટલાક હરિભક્તોએ બપોરે થોડોક આરામ કરવા નમ્ર પ્રાર્થના કરી. પરંતુ દરિયાના પાણીને રોકી ન શકાય તેમ આ દિવ્યપુરુષના આગ્રહો ને સંકલ્પોમાં રુકાવટ લાવી ન શકાય.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી તો બપોરે જમાડીને સુરત જવા ગાડીમાં બેસી ગયા. ત્યાં જઈને પણ લગભગ બાર-તેર જેટલી પધરામણીઓ કરી ને રાત્રે 8:00 વાગ્યે સુરત મંદિરે પહોંચ્યા. એમ એક દિવસમાં કુલ 600 કિલોમીટરનું વિચરણ કર્યું. આખા દિવસનો થાક લાગ્યો છે તે સામે દૃષ્ટિ કરવાને બદલે બીજા દિવસે 8 કલાકની સભા કરી સૌના જીવમાં મહારાજનો મહિમા ભરી સૌને ખૂબ બળિયા કર્યા. તે જ દિવસે ઠાકોરજી જમાડી રાત્રે વડોદરા જવા નીકળ્યા. બીજા દિવસે વડોદરા પ્રાત: સભા પતાવી સીધા જ અમદાવાદ-નરોડા મંદિરે પ્રાત: સભામાં પધાર્યા અને સાંજે સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર લાભ આપવા પધાર્યા.

     આવી રીતે પોતાના સ્વાસ્થ્ય પરત્વે કઠોરતા કેળવી અવિરત વિચરણ તેઓએ કર્યું છે અને વર્તમાન સમયે કરી રહ્યા છે.

     વળી, પોતાના સંતોને વિચરણ માટેની પ્રેરણા પ્રેરતા તેમના શબ્દો છે, “સંતો ! તૂટી પડો...” આ શબ્દો એમના મુખના નથી. એમના વર્તનમાંથી મળતી પ્રેરણાના છે.