ક્રિષ્ના હાર્ટ હૉસ્પિટલમાં એક દિવસ ડૉ. રાજેશભાઈ દેસાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીની સારવાર માટે આવતા હતા તેઓ આ હૉસ્પિટલના માલિક શ્રી ડૉ. અનિમેષભાઈ ચોક્સીને ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન આશીર્વાદ માટે લઈને આવ્યા હતા.

     એક ડૉક્ટરે પરિચય આપતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “બાપજી, આ ડૉ. અનિમેષભાઈ ચોક્સી છે અને તેઓ આ હૉસ્પિટલના માલિક છે.”

     વધુ તેઓ કાંઈ બોલે તે પહેલાં જ ગુરુવર્ય પ.પૂ. બાપજી સહસા જ બોલ્યા, “આપણા સૌના માલિક શ્રીજીમહારાજ છે... પછી આપણી માલિકીનું શું હોય ? આપણે કદી માલિક ન થવું. ધણી ન થવું.” પછી ડૉ. અનિમેષભાઈ તરફ કૃપાદૃષ્ટિ વેરતા બોલ્યા, “અનિમેષભાઈ, આપણે એવું જ માનવું ને સમજવું કે આ હૉસ્પટિલના માલિક ને ધણી ભગવાન છે ને હૉસ્પિટલ પણ ભગવાનની છે. મને તો માત્ર ચલાવવા આપી છે. માટે માલિક એમને કરી દેવા તો ઘણી નિરાંત વર્તે...”

     શ્રીજીમહારાજનું મુખ્યપણું, કર્તાપણું ગુરુવર્ય પ.પૂ. બાપજીને માત્ર બોલવા પૂરતું ન હતું. એમને તો ઇદમ્ છે... સહજ છે... એટલે આટલા શબ્દો એવા અસરકારક નીવડ્યા કે ડૉ. અનિમેષભાઈના અંતરની આરપાર ઊતરી ગયા. તેમણે વિનમ્રપણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની વાતને સ્વીકારી લીધી...