ઈ.સ. 1976માં ગુરુવર્ય પ.પૂ. બાપજી મોટા મંદિર એકાદશીએ સભા કરવા પધાર્યા હતા. સવારથી જ આસને હરિભક્તો દર્શને આવતા હતા.

     હળવદના બ્રાહ્મણ હરિભક્ત કાંતિભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા હતા. તેઓ ખૂબ ઉદાસ જણાતા હતા. તેઓનું શરીર સાવ નખાઈ ગયેલું દેખાતું હતું. મોંએ ડૂમો ભરાયેલો હતો. કશું બોલી શકતા નહોતા.

     ‘મા’ સમાન ગુરુવર્ય પ.પૂ. બાપજીએ અંતર્યામીપણે તેમના દુ:ખને જાણતા હોવા છતાં સાંત્વના આપવા તથા ઉદાસીનતા ટાળવા કંઈક જુદી જ વાત કરતાં પૂછ્યું, “કાંતિ તારે સાધુ થવું છે ? સંસારમાં ક્યાંય સુખ નથી. એક મહારાજની મૂર્તિમાં જ સુખ છે.”

      આટલું સાંભળતા જ કાંતિભાઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીના ખોળામાં માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ ‘માં’ની જેમ એમના માથે કરુણાનો હસ્ત ફેરવવા લાગ્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કાંતિભાઈને સાંત્વના આપી રડવાનું કારણ પૂછ્યું.

     કાંતિભાઈએ દુ:ખી હૃદયે ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું, “દયાળું, હું સાધુ થઈને શું કરીશ ? મને તો છેલ્લી અવસ્થાનો ટી.બી. (ક્ષય) થયો છે. હવે મારે જીવવાની પણ કોઈ આશા નથી. આપની સેવા કરવાને બદલે આપને ભારરૂપ થઈશ.”

     “અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો પરદુ:ખહારી રે...”

     શ્રીજીમહારાજનો જેવો ‘અતિ દયાળુ’ સ્વભાવ હતો તેવો ગુરુવર્ય પ.પૂ. બાપજીનો પણ અતિ દયાળુ સ્વભાવ છે.

     તેથી તેમનું દુ:ખ દૂર કરવા કહ્યું કે, “કાંતિ, તારો ટી.બી. કોઈ લઈ લે, તારો મંદવાડ જતો રહે અને તું સાજો થાય પછી તો સાધુ થઈશ ને ?”

     કાંતિભાઈએ કહ્યું, “હા દયાળુ, સાજો થઈશ તો જરૂરાજરૂર આપની જોડે જ સાધુ થઈશ.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તેમનો ટી.બી.નો મંદવાડ પોતે ગ્રહણ કરી લીધો. કાંતિભાઈને સાજા કર્યા.

     સાજા થયા પછી તેઓ સાધુ થયા અને સાધુ હરિસેવાદાસજી તરીકે સત્સંગની ખૂબ સેવા કરી.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સ્વતંત્રપણે બીજાનાં દુ:ખને ટાળવા પોતે દુ:ખ વેઠ્યું. બે મહિના સુધી ટી.બી.નો મંદવાડ ગ્રહણ કરી સ્વતંત્રપણે રજા આપી.