ઈ.સ. 1989ના ફેબ્રુઆરી માસની આ વાત છે.

વાસણા મંદિરનો દ્વિતીય પાટોત્સવ નજીકના દિવસોમાં આવી રહ્યો હતો.

એક દિવસ સાંજના છ વાગ્યાનો સમય હતો.

વાસણા મંદિરમાં નીચે સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી કથાવાર્તાનો લાભ આપતા હતા.

પ.પૂ. સ્વામીશ્રી મંદિરના ત્રીજા માળે તેમના આસને એકલા બેઠા બેઠા દ્વિતીય પાટોત્સવની આમંત્રણ પત્રિકા લખી રહ્યા હતા.

સાથે સાથે તેઓ પત્રિકા લખતાં લખતાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની સભાનો લાભ ત્રીજા માળે સ્પીકરથી લઇ રહ્યા હતા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી લાભ આપી રહ્યા હતા કે, “એક વાર સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામીએ દેવ ધોલેરા મુકામે એમના એક સંતને પોતાના ગુરુ સંકલ્પ સ્વરૂપ છે તેની પ્રતીતિ કરાવવા બે સ્વરૂપે એકસાથે દર્શન આપ્યાં હતાં.”

તેથી પ.પૂ. સ્વામીશ્રીએ પણ આ ક્ષણે એક સંકલ્પ કર્યો કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી પણ એવા જ શ્રીજીમહારાજના દિવ્ય સંકલ્પ હોય તો શું સેવકને બે સ્વરૂપે એકસાથે દર્શન ન આપે ?”

અને એ જ ક્ષણે પ.પૂ. સ્વામીશ્રીના આસનનું બારણું ખૂલ્યું.

     “શું સંકલ્પ કરે છે ? અમે સદ્. ઈશ્વરચરણદાસજી સ્વામી જેવા નહીં ?! આ લે તારો સંકલ્પ પૂરો કર્યો. અમે એના જેવા નહિ પરંતુ એના એ જ છીએ.” આસનના બારણે દિવ્ય સ્વરૂપ ગુરુવર્ય પ.પૂ. બાપજી દર્શન આપતા બોલ્યા.

     આટલું બોલી ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત જ અદૃશ્ય થઇ ગયા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે દર્શન આપતા હતા ત્યારે ત્રીજા માળે મૂકેલા સ્પીકરમાં નીચેથી તેમની કથા તો ચાલુ જ હતી.

     આ ક્ષણે પ.પૂ. સ્વામીશ્રીનો સંકલ્પ પૂર્ણ થતાં તેઓ દિવ્યભાવમાં મગ્ન થઈ વિચારી રહ્યા : “ગુરુવર્ય પ.પૂ. બાપજી તો નીચે કથાય કરતા હતા ને અત્યારે સેવકને દર્શન પણ આપ્યાં. આહાહા...એકસાથે બે સ્વરૂપે દર્શન આપ્યાં...”

     વાહ, ધન્ય છે શ્રીજીમહારાજના આ દિવ્ય સંકલ્પ સમા સત્પુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીને !!