એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિરમગામના મોટેરા હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને આવ્યા.

     દર્શન-દંડવત કરી ગુરુવર્ય પ.પૂ.બાપજીને વિનંતી કરતાં કહ્યું કે, “મેં વિરમગામમાં પરોક્ષના શાસ્ત્રની સાત દિવસની પારાયણ બેસાડી છે માટે એમાં તમારે કથા સાંભળવા પધારવાનું છે.”

     તેમનો આમંત્રણીય પ્રસ્તાવ સાંભળતાં ગુરુવર્ય પ.પૂ.બાપજી કંઈ જ બોલ્યા નહીં.

     એટલે તેઓ સમજી ગયા કે, “દેવસ્વામીને આ ગમ્યું નથી લાગતું.તેઓના મુખના ભાવ કહે છે – તેઓ મને ‘ના’ જ પાડશે.પણ તેઓ સાચા સાધુ છે.તેઓ પારાયણમાં પધારે તો બહુ સારું.મારા પર એમને સારું હેત છે.”

     એટલે તેમણે હેતના કારણે ફરી કહ્યું, “ના ન પાડતા હોં ! તમારે ગમે તેમ કરી આવવાનું જ છે.”

     ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તેમને સ્પષ્ટ તથા વિનમ્ર શબ્દોમાં કહ્યું  કે,

     “હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે,
     હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે.”

     આ મુખે કરીને અમે એક સ્વામિનારાયણ ભગવાનનો જ મહિમા ગાયો છે અને કાને કરીને સાંભળ્યો છે. માટે અમારું આવવું અશક્ય છે...

     પેલા મોટેરા હરિભક્ત જાણે ઘડી બે ઘડી સ્તબ્ધ થઈ ગયા.

     ત્યાં તો ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તેમને પોતાનો અભિપ્રાય-સિદ્ધાંત જણાવતાં કહ્યું,“તમે એટલો તો વિચાર કરો કે તમને અનંતકોટિ બ્રહ્માંડના ધણી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને તમે કોની પારાયણ રાખી છે ?! શ્રીજીમહારાજનાં શ્રીમુખ વચન જેમાં લખાયાં છે એવા સર્વોપરી ગ્રંથ વચનામૃતની પારાયણ રાખો તો 7 નહિ 17 દિવસની પારાયણમાં જરૂર આવીશ પણ જે મુખે એક સ્વામિનારાયણ ભગવાનની જ વાતું થાય છે તે મુખે કરીને પરોક્ષની પારાયણ તો નહિ જ કરું, પરંતુ એવી કથાનું શ્રવણ પણ નહિ કરું.”

     સત્સંગના મોટેરા હરિભક્ત કહેવાતા હોવા છતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તેમની કોઈ મોબત રાખી નહિ કે તેમની શેહ-શરમમાં પણ ન આવ્યા.