એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુર બિરાજતા હતા. મહારાજ પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલી સવારે યોગનિદ્રાનો ત્યાગ કરી, પરવારી અને મંદિરે મંગળા આરતીમાં સૌને દર્શન આપવા પધારતા.

     એક દિવસ શ્રીજીમહારાજ મંગળા આરતી પછી મંદિરનાં પગથિયાં ઊતરતા હતા. પગથિયાં ઊતરતાં ઊતરતાં છેલ્લા પગથિયે બિરાજી ગયા. છેલ્લે પગથિયે બિરાજી સંતો-હરિભક્તોની ચરણરજ લઈ મસ્તક ઉપર ચડાવવા લાગ્યા.

     સંતો-હરિભક્તોએ શ્રીજીમહારાજની આશ્ચર્યકારી ચેષ્ટા જોઈ પૂછ્યું,

     “હે મહારાજ, આપ આ શું કરો છો ? ને આ છેલ્લાં પગથિયે શા માટે બિરાજ્યા ? આપનાથી અહીં ન બેસાય.”

     ત્યારે શ્રીજીમહારાજે સ્વવર્તન દ્વારા સૌને ઉપદેશ કરતાં કહ્યું, “હે સંતો, હે હરિભક્તો, જેમને ઊંચે પગથિયે ચડવું હોય કહેતાં મોટા થવું હોય તેમને પહેલાં નીચેના પગથિયે બેસવું પડે. અને સૌની નીચી ટેલ કરવી પડે. માટે સૌના દાસ થઈએ તો મોટ્યપ પમાય આ સિદ્ધાંત વાત છે.”