સંવત ૧૮૮૦ના ભાદરવા સુદ ૧૧ની મધ્યરાત્રિએ અચાનક શ્રીહરિ દાદાખાચરના દરબારગઢની અક્ષરઓરડીએ પોઢેલા જાગી ગયા. સંતોના ઉતારે જઈ તાળી વજાડી.

     “જાગો સંતો, હરિભક્તોને પણ જગાડો.”

     સંતો અંદરોઅંદર ચર્ચા કરે છે...

      “સવાર પડી ગયું ?”

     “ના સ્વામી, હજુ તો મધ્યરાત્રિ છે.”

     “તે મહારાજને અત્યારે શું કામ પડ્યું હશે ?”

     “મહારાજને પોતાના રહસ્ય અભિપ્રાયની કંઈક વાત કરવી હશે.”

     “ચાલો, ત્યારે...”

     મહાપ્રભુ જારની બાણ ઉપર ઢોલિયો ઢળાવી બિરાજિત થયા. સામે મુમુક્ષુ પરમહંસો અને હરિભક્તોથી સભા ભરાઈ.

     મહાપ્રભુએ કલ્યાણનો સુગમ માર્ગ જણાવતાં કહ્યું,

     “ભગવાનની ઉપાસના કરવી, ચરિત્રને ગાવવાં, સાંભળવા ને નામસ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું એવી રીતે કલ્યાણને ઇચ્છવું તે વહાણમાં બેસીને સમુદ્ર તરવા જેવો સુગમ માર્ગ છે.”

     આટલી વાત કરી ત્યારબાદ આ રીતે દૃઢપણે વર્તવા અંગે આજ્ઞા કરી અને બોલ્યા,

     “જેણે આ રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તે એક એક આવીને અમારે ચરણે અડી સમ ખાઓ અને પ્રતિજ્ઞા કરો જે અમારે દૃઢપણે એમ જ વર્તવું છે.”

     મુમુક્ષુ પરમહંસો અને હરિભક્તોએ તુરત જ નિશ્ચયાત્મકબળે તે પ્રમાણે વર્તવાની વાત સ્વીકારી ઊભા થઈ ચરણસ્પર્શ કરી સમ ખાધા.

     પરમહંસો-હરિભક્તોને આ રીતે વર્તવાની પ્રતિજ્ઞા લેતા જોઈ શ્રીહરિએ મધ્યરાત્રિએ પણ ઘણી પ્રસન્નતા જણાવી.