તા.17/3/2017 ને શુક્રવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે સૌ સંતો-હરિભક્તોને પ્રાત: સભામાં લાભ આપવા પધાર્યા.

     પોતાની અનેરી રીત પ્રમાણે, વચનામૃતના ગૂઢાર્થ રહસ્યોને ઉકેલી, મહારાજના સ્વરૂપની સૌને યથાર્થ ઘેડ્ય પડાવી રહ્યા હતા.

     પોતાને મહારાજના સ્વરૂપની યથાર્થ ગેડ્ય પડવાથી તેમજ પાકી નિષ્ઠા થવાથી કૃતાર્થપણું અનુભવતાં એક હરિભક્ત બોલ્યા,

     “બાપા... આપ જ લાવ્યા આવી ચોખ્ખી વાતો તો હોં...”

     ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “આપણને આવી પ્રાપ્તિ મળી છે, કારણ સત્સંગનું જ્ઞાન મળ્યું છે તો તમેય કરો ને આવી વાતું... ને બધાને ખેંચી લાવો ને મહારાજના સ્વરૂપની ઓળખાણ કરાવો.”

     ત્યારે પેલા હરિભક્ત થોડા ખચકાટ સાથે બોલ્યા,

     “પણ...બાપજી... અમારી વાતમાં કોઈને વિશ્વાસ ન આવે.”

     ત્યારે તરત જ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા,

    “વાત તમારી છે ?

     મહારાજની જ વાત છે એટલે મહારાજ જરૂર વિશ્વાસ લવડાવશે... એના માટે મહારાજ પછી ગમે તેને નિમિત્ત કરે... આપણે તો નિમિત્તમાત્ર છીએ.”

    આ દિવ્યપુરુષની કોઈ વાત એવી નથી, કોઈ કથા એવી નથી કે જેમાં મહારાજનું કર્તાપણું ન આવે... કાયમ એક જ વાત એમના મુખેથી નીકળે... બસ કર્તાપણું એક શ્રીહરિનું જ.

     ધન્ય છે એ દિવ્યપુરુષ ને કે જેમના રોમ રોમમાં મહારાજનું જ બળ, મહારાજનું જ કર્તાપણું, અચળ વિશ્વાસની દૃઢતા સહેજે જ દૃશ્યમાન થાય છે.