ઈ.સ. ૧૯૯૦માં વાસણા મંદિરના પાટોત્સવનો કાર્યક્રમ હતો. તેમાં અન્ય સંસ્થાના કેટલાક હરિભક્તો પણ આવ્યા હતા.

     અન્ય સંસ્થાના એક આગેવાન હરિભક્તએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને વિનંતી કરી કે, “મારે પાંચ-દસ મિનિટ બધાને એક વાત કરવી છે.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની અનુમતિ મળતાં તેમણે વક્તવ્યનો પ્રારંભ કર્યો. શરૂઆતમાં મહારાજના મહિમાની વાત કરી. પછી બે મિનિટ ગુરુવર્ય પ.પૂ. બાપજીના મહિમાની વાત કરી.

     ત્યારબાદ તેમણે મોટા મંદિર માટે હીણું બોલવાની શરૂઆત કરી.

     તેમને મનમાં એવો સંકલ્પ હતો કે, ‘ગુરુવર્ય પ.પૂ. બાપજી અનેક વિકટ સંજોગમાં ત્યાંથી પસાર થયા છે તેથી જો એ લોકો માટે હીણું બોલીશ તો બાપજી રાજી થશે.’

     પરંતુ તેમને ક્યાં ખબર હતી કે ગુરુવર્ય પ.પૂ. બાપજી એ કાંઈ સામાન્ય સાધુ ન હતા.

     સદ્. નિષ્કુળાનંદ સ્વામીએ જણાવેલ અજાત શત્રુતાના ગુણનું તેઓ સાક્ષાત્ સ્વરૂપ છે.

          “સાચા સંત સગાં સૌ જનનાં રે, ઉદાર છે અપાર મનના રે;

           જેને શત્રુ મિત્ર સમતોલે રે, સુખે દુ:ખે દિલમાં ન ડોલે રે.”

     કીર્તનની આ પંક્તિનાં જીવંત દર્શન કરાવતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી સભા વચ્ચે તે હરિભક્ત ઉપર અતિ આકરા થઈ ગયા.

      ચાલુ વક્તવ્યને અટકાવતાં કહ્યું, “તમારી વાતને હવે અહીં જ પૂરી કરી દો. તમારે વાત કરવી હોય તો મહારાજના મહિમાની અને મોટપની કરો. આ સંસ્થામાં અમને કોઈનાય માટે રાગ-દ્વેષ નથી. માટે મહેરબાની કરીને અહીંયાં કોઈ સંસ્થાનું હીણું કે ઘસાતું બોલશો નહીં. અન્યનું હીણું બોલવા તમને માઇક નથી આપ્યું. જો આમ હીણું બોલવું હોય તો અત્યારે જ માઇક મૂકી દો.”

     એમ કહી તેમને અન્ય સંસ્થા કે તે સંસ્થાના વડા માટે ઘસાતું બોલતાં અટકાવી દીધા.

     સંપ્રદાયની મોટેરી વ્યક્તિ હોવા છતાં પણ તેમની શરમ કે મહોબત રાખ્યા વિના પોતાના આદર્શમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી અકબંધ રહ્યા. પરંતુ કોઈની હલકી કે અભાવની વાતમાં લેશમાત્ર ભેળા ન જ ભળ્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી સાધુતા અને રાગ-દ્વેષથી પરનું વ્યક્તિત્વ જોઈ તે હરિભક્ત અંજાઈ ગયા. તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીની ક્ષમા માગી.

     અને તેમણે કહ્યું, “બાપજી ! જેણે આપને કેવળ અપમાન-તિરસ્કાર આપ્યાં; તેમના માટે પણ આપ આટલો આદર રખાવો છો ! આપના જેવા અજાત શત્રુ પુરુષ આ બ્રહ્માંડમાં શોધ્યા જડે તેમ નથી.”

     પછી તે હરિભક્ત પોતાના સ્થાને પાછા બેઠા ત્યારે તેમની બાજુવાળાભાઈ સમક્ષ સહસા બોલી ઊઠ્યા, “ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંતજીવનના પ્રારંભથી અદ્યપિ કોઈ સામે ગમે તેવું વર્ત્યા હોય તોપણ તેમના પ્રત્યે આંટી કે પૂર્વાગ્રહ તેઓએ નથી રાખ્યો. ક્યારેય કોઈનું ભૂંડું કે અહિત થાય તેવો સંકલ્પ સુધ્ધાંય ઊઠવા દીધો નથી તો એવું કાર્ય તો કર્યું જ ક્યાંથી હોય ? ધન્ય છે આવા સદગુરુ સંતને...!”

     ગુરુવર્ય પ.પૂ. બાપજી જાહેરમાં તો કોઈના વિષે હીણું બોલવા ન દે કે પોતે પણ ન બોલે પરંતુ એકાંતમાં પણ કદી કોઈને વિષે વાત કરવામાં પણ શત્રુપણું ન આવવા દે કે તેમના અભાવની વાત કરવા દે જ નહીં.