એક સમામાં શ્રીહરિ સંતો-હરિભક્તો સાથે ગઢપુરથી જેતલપુર પધાર્યા. ત્યાં પધારી સૌ જેતલપુરવાસીને દર્શનદાનનું સુખ આપી મહોલને વિષે પધાર્યા.

     વિશાળ સંત સમુદાય મધ્યે શ્રીહરિ સિંહાસન પર બિરાજ્યા. વાતાવરણ અતિ અલૌકિક હતું તો શ્રીહરિની મૂર્તિ પણ અલૌકિક હતી. સૌ સંતો આ અલૌકિક મૂર્તિનું રસપાન કરી રહ્યા હતા. તેમાંય વળી સોનામાં સુગંધ ભળે તેમ સર્વે સંતો વારાફરતી શ્રીજીમહારાજનું પૂજન કરતા હતા.

     શ્રીજીમહારાજ પણ સર્વેનું રાજી થઈ પૂજન સ્વીકારતા હતા. સર્વે સંતોએ પૂજન કરી લીધા પછી સભામાં પોતપોતાનું આસન ગ્રહણ કર્યું. શ્રીજીમહારાજે મૂળજી બ્રહ્મચારી પાસે ચંદનનો વાટકો મગાવ્યો.

     સંતોને સંબોધતા કહ્યું, સંતો, તમે અમારી પૂજા કરી; હવે અમે તમારું પૂજન કરીશું.

     સર્વે સંતોએ હાથ જોડી પ્રાર્થના કરી, હે દયાળુ ! તમારે અમારું પૂજન ન કરવાનું હોય, માટે રહેવા દો.

     છતાંય મહાપ્રભુએ તેઓની પ્રાર્થના અવગણીને સૌને દિવ્યભાવ દૃઢ કરાવવા પ્રથમ સદ્. રામદાસ સ્વામી પછી સદ્. મુક્તાનંદ સ્વામીની તથા મોટેરા સંતોની પૂજન કરી પછી નાનામાં નાના સંતનું પૂજન કર્યું. ત્યારબાદ સર્વે સંતોને સ્વહસ્તે ફૂલના હાર પહેરાવ્યા તો વળી ફૂલના બાજુબંધ પહેરાવ્યા અને મસ્તક પર ફૂલની ટોપી પહેરાવી.

     સર્વે સંતોના આવા નયનરમ્ય દર્શન કરતા શ્રીહરિ હસ્ત જોડી રહ્યા અને બોલ્યા,

    “તમો સર્વે અક્ષરધામના મુક્તો છો અને તમને કેવળ સાધુ સમજે તે સર્વે અજ્ઞાની છે. કારણ, તેમને તમારા દિવ્ય સ્વરૂપનું ભાન નથી.

     આટલું કહી શ્રીહરિ સૌને દિવ્યભાવે ભેટ્યા. સંતોના શરીરે ચોપડેલું ચંદન શ્રીહરિના વાધાને લાગવાથી ખૂબ રાજી થયા.

     સ્વયં અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમનારાયણ હોવા છતાંય સ્વત: વર્તન દ્વારા દિવ્યભાવની સર્વે સત્સંગ સમાજને અલૌકિક દિવ્ય રીત શીખવી