એક વાર શ્રીહરિ ગઢપુરમાં બિરાજમાન હતા. ત્યારે પીપળાવથી વિપ્ર પ્રભાશંકર શ્રીહરિનાં દર્શન, સમાગમે આવેલા. તે સમયે પોષ માસની કડકડતી ઠંડીને કારણે પ્રભાશંકરને ઓઢવા માટે એક ગોદડું આપેલ.

પ્રભાશંકર વધુ ઠંડીને લીધે ઠરતા હતા તેથી વહેલી સવારે ઊઠી “હે કૃપાનિધિ હે કૃપાનિધિ...” એમ શ્રીહરિને પ્રાર્થના કરતા હતા.

  મહારાજને સવારે કંઈક અવાજ આવતા માનજી ભક્તને બોલાવીને કહ્યું,“આ કોણ બોલે છે ને શું બોલે છે ?”

માનજી ભક્તે જોઈ આવીને કહ્યું,

“મહારાજ ! એ તો પીપળાવના પ્રભાશંકર છે અને ‘કૃપા નથી, કૃપા નથી’ એમ બોલે છે.”

મહારાજે તેઓને બોલાવી પૂછ્યું, “તમે શું બોલતા હતા ?” ત્યારે તેમણે કહ્યું, “મહારાજ ! હું તો કૃપાનિધિ , કૃપાનિધિ એમ બોલતો હતો.”

ત્યારે માનજી ભક્તે કહ્યું,

“ના, મહારાજ ! એ તો આવી ટાઢમાં સાધુ ઠરે છે, તેથી એમ બોલે છે.”

મહારાજ મર્મમાં સમજી ગયા ને ખરડો કરાવી દરેક સાધુ માટે ગોદડાં કરાવી દરેકને એક એક આપ્યું ને વાડીમાં ધર્મશાળા કરાવી હતી તેમાં રાખ્યા.