જેતલપુરમાં જીવણ ભગત નામે એક હરિભક્ત વ્યવહારે ખૂબ દુર્બળ પણ મહારાજ પ્રતિ પ્રીતિએ કરીને અતિશે સમૃદ્ધ.

     કોઈ હરિભક્તોને મહારાજ માટે મેવા, મીઠાઈ અને સારી રસોઈ કરતા જોઈ જીવણ ભગતને મનમાં સંકલ્પ થયા કરે :

     ‘હે મહારાજ, મારે પણ આપને સારી રસોઈ આપવી છે પણ વ્યવહારે દુર્બળ છું. મારે મહારાજ માટે શું લાવવું ? ઘરમાં કંઈ નથી. શું ગરીબના ભગવાન નહીં ?’ આમ ઉદાસ થઈ મૂંઝાયા કરે .

     એક દિવસ વિચાર સૂઝ્યો. ખેતરની વાડીમાંથી લીલી તાજી ડોડીની ભાજી તોડી લાવ્યા અને ઘરમાંથી મઠનો લોટ દળાવી રોટલો બનાવ્યો અને ભાજી બનાવી મહોલ પર મહારાજને અર્પણ કરવા ગયા.

     મહારાજ સામેથી રોટલો અને ભાજી માંગી સભા વચ્ચે જમ્યા.

     “ભગત, આ તો મઠનો રોટલો ને ડોડીની ભાજી ! અમારું રુચિકર ભોજન. આજ સુધી ઘણી રસોઈ જમ્યા પણ આવી મીઠાશ ક્યારેય ન ભાળી.”

     આમ, મહારાજ જમાડતા જાય ને વખાણ કરતા જાય.

     “મહારાજ, એકલા એકલા જમશો તો પેટમાં દુખશે.” આમ બોલતાં બોલતાં સદ્. બ્રહ્માનંદ સ્વામીએ હાથમાંથી રોટલો ને ભાજી ઝૂંટવી લઈ સર્વે સભાજનોને પ્રસાદી આપી.

    મહારાજ તો વસ્તુ, પદાર્થ કે ધન-સંપત્તિના ભૂખ્યા નથી; ભાવના ભૂખ્યા છે.