એક સમયે શ્રીહરિ વડતાલમાં લાભ આપી રહ્યા હતા. ત્યારે કોઈ પરગામના હરિભકત આવ્યા.

તેઓએ મહારાજ આગળ જઈ બશેર મગફળી મૂકી.

“ભગત, તમારા ખેતરમાં બહુ સારી મગફળી થઈ છે.” મહારાજ મગફળી હાથમાં લઈ વખાણ કરતાં બોલ્યા.

“ના મહારાજ ! હું આપનાં દર્શન કરવા આવતો હતો ને રસ્તામાં કોઈકના ખેતરમાંથી લાવ્યો છું.” હરિભક્તે હરખાતા હૈયે કહ્યું.

“ઉપાડ તારી મગફળી. ચોરી કરીને તારે મને ખવરાવવી છે ને ? માટે જ્યાંથી લાવ્યો ત્યાં પાછી નાખી આવો.”

મહારાજે નારાજગીના ભાવે ઉચ્ચ સ્વરે કહ્યું.

પછી મહારાજે તેની પાસે મગફળી ઉપડાવીને જ્યાંથી લાવ્યા હતા ત્યાં પાછી મોકલાવી દીધી.

પછી મહારાજે સર્વે સભાજનોને ઉપદેશીને કહ્યું,

“ક્યારેય ચોરી કરીને દાન કરવું નહીં. તે ધર્મ નથી; અધર્મ છે.”

આવી રીતે મહારાજ સંપૂર્ણ પરભાવી સ્વરૂપ હોવા છતાં અવરભાવના તમામ વિવેક તેઓના જીવનમાં સાદૃશ્ય હતા.