ઈ.સ. ૨૦૦૦માં એક વખત ગુરુવર્ય પ.પૂ.બાપજી વાસણા મંદિરે ભોંયરામાં વચનામૃતનું વાંચન કરી રહ્યા હતા.

     અચાનક આસનમાં વિચિત્ર વાસનો અનુભવ થતાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ વચનામૃતમાંથી દૃષ્ટિ હઠાવી આસન તરફ કરી. ત્યાં એક કિશોર ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં ઊભા ઊભા દર્શન કરી રહ્યો હતો.

     એટલે ગુરુવર્ય પ.પૂ.બાપજી બોલ્યા : “આ વાસ કોણ લઈને આવ્યું ?”

    “મને ખબર નથી.”

      “શું ખબર નથી ? તારામાંથી એ વાસ આવે છે.”

     “દયાળુ, રાજી રહેજો... મારામાંથી વાસ નથી આવતી.”

     “કંઈ છાંટ્યું છે ?”

    “હા દયાળુ.”

     “શું ?”

     “એ તો મેં સુગંધીદાર સ્પ્રે છાંટ્યો છે.”

     “આ સ્પ્રેની ગંધ છે...”

     “બાપજી, પણ મને તો સુગંધ જ આવે છે. આમાં એવું કંઈ ખરાબ નથી.”

     “હા, આ ખરાબ કહેવાય... સત્સંગીને સ્પ્રે ન છંટાય.”

     “કેમ બાપજી ?”

     “એ છાંટવાથી દેહભાવ પાકો થાય. સત્સંગ દેહભાવને પુષ્ટ કરવા માટે નથી. સત્સંગ તો આત્માને પુષ્ટ કરવા માટે છે એટલે દેહભાવને પુષ્ટિ મળે એવો ખોટનો ધંધો ન કરાય... શ્રીજીમહારાજ એક ટકો રાજી ના થાય અને અમે પણ રાજી ન થઈએ...”

      કિશોર ઘરનો હતો એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં પ્રાયશ્ચિત્તના ભાવે નમી ગયો.

     “તમારે અમારી પાસે રહેવું હોય કે અમારી સેવા કરવી હોય તો કદીયે આ ગંધ નહિ છાંટવાની... અને એ નહિ છાંટો તો તમને સેવાનો લાભ આપીશું...”