ગુરુવર્ય પ.પૂ. બાપજી જ્યારે જેતપર ગામે પધારતા ત્યારે ગામના ખોડાભાઈ, જીવરાજભાઈ મિસ્ત્રી અને અમરશીભાઈ આદિક હરિભક્તો ખૂબ સમાગમ કરતા.

     અમરશીભાઈ જેઓ હાલ SMVSના મોરબી મંદિરના પૂજારી છે.

     તેઓ પોતાને અજોડ ઉપાસનાની દૃઢતા કેવી રીતે થઈ તેની વાત કરતાં કહેતા હોય છે કે, “ગુરુવર્ય પ.પૂ. બાપજી જેતપર આઠ આઠ દિવસ રોકાતા. અમે વર્ષોથી સત્સંગ કરતા. સ્વામિનારાયણ ભગવાનનાં જ ભજન-ભક્તિ કરતા. પરંતુ શ્રીજીમહારાજની અજોડ ઉપાસનાની દૃઢતા તો ગુરુવર્ય પ.પૂ. બાપજી થકી જ થઈ. તેમણે જ અમને મહારાજના સ્વરૂપની જેમ છે તેમ ઓળખાણ કરાવી. રોજ રાત્રે ૮ વાગ્યે સભા પતી જાય. ત્યારબાદ હરિભક્તો ઘરે જવા નીકળે એ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજી મંદિરની ખડકી બંધ કરવા આવે.

     ખડકીના ટેકે હસ્ત રાખી ત્યાં ને ત્યાં રોજ બે બે કલાક શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસનાની વાતો કરે. એક દિવસ તો રાત્રે ૮ વાગ્યે ચાલુ થયેલી વાતો પૂરી થઈ ને ઘડિયાળમાં જોયું તો સવારના ૪ વાગી ગયા હતા.

     સતત આઠ કલાક ખડકીના ટેકે ઊભા ઊભા એમણે અમને મહારાજના સ્વરૂપની અજોડ ઉપાસના સમજાવી એવા તો રસભીના કરી દીધા છે કે અત્યારે પણ આઠે પહોર કેવા મહારાજ મળ્યા છે ! તેનો આનંદ વર્તે છે.”

     આમ, ઉપાસના પ્રવર્તાવવાના તેઓના આગ્રહને જોઈ આજે સંપ્રદાયના સંતો-હરિભક્તો પણ ગુરુવર્ય પ.પૂ. બાપજીની ઉપાસનાની ખુમારીને વંદી રહ્યા છે.