“મહારાજ, અરે મહારાજ ! સાંભળો છો કે...”

  “શું છે ભગત ! આટલા ઉતાવળા કેમ દોડી આવ્યા ?”

  “મહારાજ, આપણા ગામમાં સુમાબાઈની વોકળીમાં એક સિંહણ ચાર બચ્ચા લઈને ભરાણી છે અને ગઢપુરની ઉગમણી બાજુ ત્યાંના માણસોને રંજાડ કરી છે, માટે આપણે કંઈક     વિચારવું પડે.”

  ભગતની ફરિયાદ સાંભળતાં જ શ્રીહરિ ઘોડે ચડી હથિયારબંધ માણસો અને પરમહંસ સાથે તે જગ્યામાં પધાર્યા.

  થોડી વાર બંદૂકના બહાર કર્યા એટલે ત્યાંથી સિંહણ બહાર નીકળી વાડમાં ગઈ. ત્યાં અવાજ કર્યો તો બહાર ખડ પર બચ્ચા સાથે આળોટવા માંડી.

  બંદૂકસવારોએ સિંહણ અને તેના બચ્ચાને મારવા બંદૂક તાકી ત્યારે મહારાજે હાકલ કરી,

  “ખબડદાર ! એને કોઈ મારશો નહિ; શરણે આવે તેને મરાય નહિ; અને આ તો યોગિની છે અને તેના બચ્ચા પણ યોગિની છે.”

  “પણ મહારાજ, આ હમણાં આપણી ઉપર તરાપ મારશે માટે મારી નાખવી જ સારું છે.” હરિભક્તે પ્રાર્થના કરી.

  “ના, આપણને અને કોઈને નહિ મારે તેને ઉત્તરાદિ તરફ માગ દ્યો.”

  અને સિંહણ પોતાના બચ્ચા સાથે ઉત્તર તરફ ચાલી ગઈ.

  આમ, શ્રીહરિ હિંસક પશુઓ પર પણ દયા અને કરુણા વાપરી તેમની હિંસકવૃત્તિનો નાશ કરતા.