તા. ૨૧-૧૨-૨૦૧૨ થી ૨૮-૧૨-૨૦૧૨ દરમ્યાન SMVS રજત જયંતી મહોત્સવ ચાલી રહ્યો હતો.

  તા. ૨૬-૧૨-૨૦૧૨ના રોજ ગુરુવર્ય પ.પૂ. બાપજી બપોરનું મધ્યાહન ભોજન લઈ રહ્યા હતા. ત્યારે પૂ. સંતોએ ગુરુજી બાપજીને પ્રાર્થના કરી : “બાપજી ! આપે અગાઉ સંકલ્પ જણાવ્યો હતો કે, આપણો SMVSનો સમગ્ર સમાજ ભેગો થાય ત્યારે આપણે આ કારણ સત્સંગની ધુરા ને સમગ્ર સમાજની સ્વામીશ્રીને સોંપણી કરી દેવી છે. તો બાપજી, આવતી કાલે સંસ્થા દિન છે તેમાં આપનો સંકલ્પ પૂરો કરીએ તો !”

  આટલું સંતો બોલ્યા ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા : “આપણાં સમગ્ર સમાજને સ્વામીની (પ.પૂ. સ્વામીશ્રીની) પહેલેથી સત્પુરુષ તરીકેની જ સ્વીકૃતિ છે. એનો સ્વીકાર કોઈનેય કરાવવો પડે એવું નથી. એનો પ્રભાવ પહેલેથી જ એવો છે કે એના સાંનિધ્યમાં જે કોઈ આવે એને મહારાજ જ જીવમાંથી ઘેડ્ય પડાવી દે છે કે આ સત્પુરુષ છે. અમારે એમને અનુગામી જાહેર કરવા પડે એવું એમણે રાખ્યું જ નથી. એ તો પહેલેથી મહારાજ, બાપાશ્રી, આપણી અમીરપેઢી ને અમારો વારસો લઈને જ આવ્યા છે. અમારા બેની જુગલ જોડી છે. આ તો અમે બિરાજીએ છીએ એટલે આ સ્વામી બધું ઢાંકીઢબૂરીને વર્તે છે. અમારા ને સૌના સેવક થઈને રહે છે... એ જ એની મોટપ છે. પરંતુ અમે આ લોકમાં નહિ હોઈએ તે'દી સ્વામીનો ઝપાટો તો જોજો... અમારી હાજરીમાંય એનો કેવો પડઘો પડે છે! તો જ્યારે અમે દર્શન નહિ આપતા હોઈએ ત્યારે એનો પડઘો કેવો પડશે! હજુ જોજો તો ખરા! આખો સંપ્રદાય જોઈ રહેશે... મોટા મોટા સદ્‌ગુરુ, ધર્મધુરંધરો, ગુરુઓ ને આગેવાનો આ સ્વામી આગળ ઝાંખા પડશે... જેને જેને મૂર્તિ જોઈતી હશે, સુખિયા થવું હશે એને આ સ્વામીનો રાજીપો લીધા વિના છૂટકો નથી..”

  આટલું કહેતાં કહેતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી ગદ્‌ગદ્‌ થઈ ગયા... ને બોલ્યા: “તમે બધાય સંતોને હું કાયમી એ જ ભલામણ કરું છું કે તમે મને રાજી નહિ કરો તો ચાલશે પણ સ્વામીને રાજી કરી લેજો.. એના રાજીપાથી મારો રાજીપો જુદો નહિ હોય. જે જે સ્વામીનો દિવ્યભાવ સમજશે તે છતે દેહે સુખિયો થઈ જશે ને જેણે જેણે આજ સુધી સ્વામીમાં દોષ પરઠયા છે ને પરઠશે એ બધાયના ભૂકા બોલી જશે. જ્ઞાનેય પડ્યું રહેશે, ધ્યાનેય પડ્યું રહેશે. વર્તન ને સાધન પણ સર્વે પડ્યાં રહેશે ને સત્સંગમાં પગ ટકશે નહિ, ફેંકાઈ જશે. માટે સૌ એનામાં ખૂબ દિવ્યભાવ રાખજો... ને એનાથી કદી મન જુદું ન રાખતા તો તમને ભૂંડો ઘાટેય મહારાજ નહિ થવા દે. 

  બીજું એની જોડે ખાલી રહેવા ખાતર ન રહેતા. એના જેવા કલ્યાણકારી ગુણો શીખજો . એના જીવનને જોજો, એના આગ્રહને જોજો, એના અભિપ્રાયને સમજજો... એ શું કરાવવા માગે છે એ સમજજો ને એ મુજબ અનુસરજો... અનંત જન્મ સુધી તૂટીને મરી જાવ તોય આ દેહભાવ નહિ ટળે ને એ જે કરાવવા માગે છે એમ કરશો તો એ દેહભાવ ટળાવી ઝળળાટ મૂર્તિ દેખાતી કરી દેશે.”

  આટલું જણાવ્યા બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા કે, “અમે સ્વામી ઉપર ખૂબ ખૂબ રાજી છીએ... કાલે સમગ્ર SMVSના સમાજ આગળ અમે સ્વામીશ્રીને અમારા અનુગામી તરીકે ઉદ્‌ઘોષ કરીશું.”

  બીજા દિવસે તા. ૨૭-૧૨-૨૦૧૨ના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને પોતાના આધ્યાત્મિક ને વ્યવહારિક અનુગામી તરીકે ઉદ્‌ઘોષિત કર્યા.