એક સમયે શ્રીહરિ સુજાનસિંહ અને મનુભાના પ્રેમને વશ થઈ ગામ જમનાવડ પધાર્યા.

શ્રીહરિના થાળ કરવા ગામના અંબારામ વિપ્ર ખડે પગે સેવા કરતા. તો વળી તેમનામાં કોઈ પ્રકારે મિથ્યાભિમાન ન હતું. ‘દયા પ્રભુની’ કરીને જીવન વ્યતીત કરતા અંબારામનો ભોળોભાવ અને અનન્ય સેવાભક્તિ જોઈ શ્રીહરિ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા.

શ્રીહરિની પ્રસન્ન મુખમુદ્રા જોઈ અંબારામે શ્રીહરિને પૂછ્યું, “મહારાજ ! અમે તો જીવ છીએ અને તમે જગદીશ છો. આપણા વચ્ચે એટલું છેટું છે કે કેમે કરીને અમારી નજર તમારા તરફ પહોંચે તેવી નથી.”

શ્રીહરિ મંદહાસ્ય કરતાં બોલ્યા જે, “અંબારામ ! આપણી વચ્ચે કાંઈ છેટું નથી. જો તમારી દૃષ્ટિ ફરી જાય તો સાવ ઢૂંકડું જ છે.”

આટલું કહેતાં અંબારામ પર શ્રીહરિની કૃપા વહી અને તેઓને સમાધિ કરાવી.

અંબારામને જમીન પર પડતા જોઈ સુજાનસિંહ મૂંઝાઈ ગયા ને બોલ્યા, “મહારાજ ! આને શું થયું ? જીવતો કરો નહિ તો અમને બ્રહ્મહત્યાનું પાપ લાગશે.”

શ્રીહરિ આ સાંભળી હસ્યા ને કહ્યું, “બાપુ ! અંબારામ તો જીવતો જીવ છે. પણ જેને આ સ્વરૂપની ઓળખાણ નથી તે બધા જ જીવતા છતાં મરેલા છે. જેમ લુહારની ધમણ હાંફે છે તેમ તે બધા કેવળ હાંફે છે. પણ તેમનામાં જીવ નથી.”

આમ, જીવ અને જગદીશ વચ્ચે છેટું ન રાખ્યું.