તા.૧૬-૪-૨૦૧૭ને રવિવારના રોજ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સિટીમાં શિબિરનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામમાં પૂ.સંતોનો ઉતારો, રસોડું, શિબિર સ્થળ એ તમામ માટે એક સ્કૂલ પસંદ કરવામાં આવી હતી.જેમાં પૂ.સંતોના રસોડા માટેની પણ વ્યવસ્થા હતી. તે રસોડામાં બે ફ્રિજ મૂકેલાં હતાં. એક ફ્રિજ પૂ.સંતોએ ઉપયોગમાં લીધું હતું, જ્યારે બીજા ફ્રિજનો ઉપયોગ ત્યાં રહેનારા વ્યક્તિઓ પોતાની રેગ્યુલર વસ્તુઓના વપરાશ માટે કરતા હતા. પરંતુ, તે શિબિર દરમ્યાન ફ્રિજ બંધ રાખવામાં આવ્યું હતું. પૂ.સંતોએ રસોડામાં હાથ લૂછવા માટે ભગવું વસ્ત્ર બીજા ફ્રિજના હાથા પર બાંધેલું હતું.

ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી રસોડામાં પધાર્યા ત્યારે આ જોઈને તરત જ ક્રિયાશુદ્ધિનો આગ્રહ જણાવતાં કહ્યું, “સંતો! આ ભગવું વસ્ત્ર અહીંયાં ન બંધાય.” એમ કહી એ વખતે જ ભગવું વસ્ત્ર છોડાવી પૂ.સંતોના ફ્રિજે બંધાવડાવ્યું. તે પછી પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, “આપણને એમના ફ્રિજને બહારથી અડવાની પણ સૂગ રહેવી જોઈએ. આપણને ખચકાટ થવો જોઈએ. જેમ વિષ્ટાને અડવું ગમતું નથી તેમ આ બધું વિષ્ટા સમાન છે.આ ફ્રિજની અંદર તો માંસ, મટનને ઈંડાં એવું જ હોય માટે અભડાઈ જઈએ. અડાય જ નહીં. માટી વર્તમાનની આજ્ઞા લોપાય.”

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પૂ. સંતોને નાની બાબતમાં પણ સાધુતાના આદર્શપાઠ શીખવ્યા.