તા. ૨૫-૧૨-૨૦૧૦ ને રવિવારના રોજ ગોધર પુન: મૂર્તિપ્રતિષ્ઠા ઉત્સવ ઉપક્રમે શોભાયાત્રાનું આયોજન કરેલું. શોભાયાત્રા સંતરામપુર ચોકડીથી શરૂ થવાની હતી. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી શોભાયાત્રાની તૈયારીનું નિરીક્ષણ કરવા પધાર્યા.

તે વખતે વડોદરા મંડળના મુક્તો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સર્વેના ક્ષેમકુશળ સમાચાર પૂછ્યા તથા અલ્પાહાર કર્યો કે નહિ તેની ખબર પૂછી.

ત્યારબાદ એ મંડળના સૌથી નાના બાળમુક્ત સહજને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું, “તમે અલ્પાહાર કર્યો છે કે બાકી છે ?”

“કર્યો છે ને.”

“શું જમાડ્યું ?”

“ચવાણું.”

“એ ચવાણું મહારાજને ધરાવ્યું હતું ?”

બાળમુક્ત સહજે હકારમાં માથું હલાવ્યું.

ગુરુજીએ કહ્યું, “મહારાજને કેળું ધરાવીએ પછી ‘લ્યો કેળું’ એમ કહીએ છીએ ?”

“ના...” બાળમુક્તે લાંબા રાગથી કહ્યું.

“તો શું કહેવાય ?”

“એને તો પછી પ્રસાદ કહેવાય.”

“બસ ત્યારે, તમે મહારાજને ચવાણું જમાડ્યું પછી એ પ્રસાદ થયો ખરું ને ?”

“હા દયાળુ, આજે અલ્પાહારમાં મેં પ્રસાદ જમાડ્યો.”

“શાબાશ.” કહેતાં કહેતાં ગુરુજી બાળમુક્તના ગાલ પર પ્રેમથી ટપલી મારી રાજી થયા.

આમ, નાનકડા બાળમુક્તને પણ બાળસહજ રીતે પરભાવની દૃઢતા કરાવનાર ગુરુજી સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન..!!