તા.૧૫-૬-૨૦૧૭ને ગુરુવારના રોજ સવારે ગુરુદેવ પ.પૂ.બાપજીની તબિયત નાદુરસ્ત હતી.(તા.૯-૬-૨૦૧૭ને પૂનમ બાદ વિશેષ અશક્તિ તથા તબિયત નાદુરસ્ત હતી.) આજે સવારે ૧૦ વાગ્યે ગુરુદેવ પ.પૂ.બાપજીની સારવાર માટે ડૉ.મહર્ષિભાઈ આવ્યા હતા.

ડૉ.મહર્ષિભાઈ ગુરુદેવ પ.પૂ.બાપજીને સ્વાસ્થ્ય માટે વિચરણ ઓછું કરવું, સમયસર જમવું, દિવસ દરમ્યાન થોડું ચાલવું. આ રીતે વાત કરતા હતા. સાથે પૂ.સંતો પણ હતા. ડૉક્ટરે કહ્યું, “બાપજી! આપ દરરોજ સમયસર જમો તો શરીરમાં બહુ કળતર નહિ થાય અને આપ જ્યારે કથા કરો ત્યારે પણ વચ્ચે વિરામ આપો અને જમી લો આવું શિડ્યૂલ ગોઠવો.”

ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું, “કથા ચાલુ હોય, બરાબરનો મુદ્દો હાથ આવ્યો હોય, કથામાં બરાબરનો રંગ આવ્યો હોય તે વખતે ઊઠીએ તો કેવું લાગે? માટે કથાવાર્તા ચાલુ જ રખાય.”સંતોએ કહ્યું, “બાપજી, આપને ઘણી વિનંતી કરીએ છીએ પરંતુ આપ કથાવાર્તા ચાલુ થાય તે પછી જમવાની ના પાડી દો છો.”હવે ગુરુદેવ પ.પૂ.બાપજીએ કહ્યું, “કથાવાર્તા એ તો અમારી દવા છે. માટે અમે કથાવાર્તા અધૂરી મૂકીને જમાડવા સિવાય બીજી બધી બાબતમાં ડૉક્ટર જેમ કહે તેમ કરશું.”

અનંતના ગુરુ હોવા છતાંય પોતે કેટલા સરળ થઈ વર્તે છે! ડૉક્ટરે કહ્યું તે મુજબ ગુરુદેવ પ.પૂ.બાપજીએ સ્વીકાર્યું  કે, ‘અઠવાડિયે-પંદર દિવસે બહાર વિચરણ માટે જઈશું અને હરિભક્તોને અહીં દર્શન-સમાગમ માટે બોલાવવાના. બપોરે તથા રાત્રે સમયસર જમાડીશું તથા દિવસમાં પાંચ વખત સંતઆશ્રમમાં ચાલીશું.’ આ પ્રસંગ દરમ્યાન ઘણી વખત બાપજી બોલતા કે, “ડૉક્ટર કહે તેમ કરવાનું.” તેમની વાતને ગુરુદેવ પ.પૂ. બાપજીએ તરત સરળતાથી સ્વીકારી લીધી.

વાહ ! કેવી દિવ્ય સરળતા ! દાસત્વમૂર્તિ!