એક વખત શ્રીજીમહારાજે એક લીલા આદરી. શ્રીજીમહારાજ કોઈને કહ્યા વગર થોડો સમય એકાંતમાં પધાર્યા હતા. આથી એભલબાપુનો પરિવાર તથા સંતો-ભક્તો શ્રીજીમહારાજના વિરહમાં દુઃખી થઈ ગયા.

 શ્રીજીમહારાજ એકાંતમાંથી ગઢપુર પાછા પધાર્યા. ત્યારે દાદાખાચરે શ્રીજીમહારાજને પૂછ્યું ­, “મહારાજ ! તમે અમને મૂકીને ક્યાં ચાલ્યા ગયા હતા ?”

શ્રીજીમહારાજે તેમને માથે હસ્ત ફેરવતાં કહ્યું, “દાદા ! અમે તને મૂકીને ક્યાંય જઈ શકીએ નહીં. અમે જ્યાં જઈએ છીએ ત્યાં અમને તારો સાદ સંભળાય છે. લાડુબા, જીવુબાનો સ્નેહ અમને કોઈ ઠેકાણે ઠરવા દેતો નથી. એભલબાપુ, સૂરપ્રભાદેવી, સોમાદેવી, સોમબા ફુઈ અને આ દરબાર, આ લીંબડો, આ બધું અમારાં અંતરમાં અંક્તિ થઈ ગયું છે... એટલે અમે ગમે ત્યાં જઈએ તોપણ વળી વળીને પાછા ગઢડે આવવાની અમને નિરંતર ઇચ્છા રહે છે.”

શ્રીજીમહારાજના પ્રેમભાવની સરિતામાં ભીંજાતો અભેલખાચરનો પરિવાર પોતાના પર થયેલ શ્રીજીમહારાજની અનહદ કૃપાને વાગોળતા વાગોળતા અંતરમાં વિચારી રહ્યો હતો : “અનંતકોટિ બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ - દર્શન અનંત અવતારોને થતાં નથી, હજારો વર્ષના તપ કરીને રાફડા થઈ જાય તોપણ તેમને આ પરાત્પર સ્વરૂપનાં દર્શન દુર્લભ છે, એવા અક્ષરધામના અધિપતિ પુરષોત્તમનારાયણના અંતરમાં આજે ગઢપુરવાસીઓ જડાઈ ગયા છે એ કાંઈ જેવી તેવી કૃપા ન કહેવાય !”

ત્યાં તો લાડુબા ને જીવુબાએ એકસાથે કહ્યું, “મહારાજ ! આપના સ્નેહે જ અમારા અંતરના સ્નેહને જગાડ્યો છે.”

શ્રીજીમહારાજે તેમના પ્રત્યે દૃષ્ટિ કરી કહ્યું, “દિવ્ય પ્રેમથી જ દિવ્ય પ્રેમ ઊઠે છે. તમારા અંતરમાં જો એવો દિવ્ય પ્રેમ છે તો અમારું અંતર તમારા સર્વે પરત્વે સહેજે ખેંચાય છે.”

બ્રહ્માચારીએ શ્રીજીમહારાજની અક્ષરઓરડી વ્યવસ્થિત કરી દીધી. એકલા ઝૂરતા બ્રહ્મચારી પણ મહારાજ પધાર્યા એટલે સોળે કળાએ ખીલી ઊઠ્યા હતા. તેઓ પણ શ્રીજીમહારાજને રાજી કરવામાં સેવામાં જોડાઈ ગયા.

પછી શ્રીજીમહારાજે બાપુ એભલખાચર તથા લાડુબા, જીવુબાને બોલાવી કહ્યું, અમારે અહીં ફૂલદોલનો ઉત્સવ કરવો છે. અમે ઘણા દા’ડા ગુપ્ત રહ્યા, પણ હવે તો સંતો-હરિભક્તોને બોલાવીને અમારે તેમને આનંદ કરાવવો છે. માટે તમે ગામોગામ પત્રો લખી દ્યો, ખેપિયા મોકલી દ્યો. અમે અમારા સંતોને ઘણા તાવ્યા, તેમાં વળી આ દુષ્કાળ આવ્યો, અમે સંતોને ખટરસનાં વર્તમાન આપ્યાં. અમને રાજી કરવા અર્થે, સંતોએ ઘણું ઘણું વેઠ્યું પણ હવે આ ફાગણના ફૂલદોલમાં અમારે સંતોને તેડાવી રંગોત્સવ કરવો છે. સૌ સંતોને અમારે ભક્તિના રંગે રંગી, જમાડીને, તૃપ્ત કરવા છે.”

શ્રીજીમહારાજનો સંતો પ્રત્યે કેવળ પ્રેમ ન હતો પણ દિવ્યભાવ હતો. શ્રીજીમહારાજનો અભિપ્રાય બાપુ એભલખાચર તથા સંબંધીજનો સમજી ગયા. તેમણે નક્કી કરી દીધું આપણે પણ શ્રીજીમહારાજને રાજી કરી લેવા છે.

સંતો પણ શ્રીજીમહારાજનો સંદેશો મળતાં આવવા લાગ્યા. શ્રીજીમહારાજને પણ સંદેશો મળ્યો કે સંતો હવે આવી રહ્યાં છે. તેથી શ્રીજીમહારાજે નાજા જોગિયાને કહ્યું, “માણકી તૈયાર કરો. અમારે સંતોને સામા મળવા જવું છે.”

શ્રીજીમહારાજ તૈયાર થયા એટલે સાથે એભલખાચર, જીવાખાચર, દાદાખાચર, નાગમાલ તમામ દરબારો પણ તૈયાર થઈ ગયા. શ્રીજીમહારાજ ગઢપુરથી ચાલ્યા. કુંડળ સુધી આવ્યા અને સામે સંતો આવતા દેખાયા. એટલે શ્રીજીમહારાજ એકદમ સંતોને જોઈ આનંદમાં આવી ગયા હરખભેર બોલી ઊઠ્યા, “બાપુ ! જુઓ, અમારા સંતો આવે છે... દાદા ! જો...જો... અમારા સંતો આવે છે.”

શ્રીજીમહારાજ તરત જ માણકી પરથી ઊતરી, દિવ્યભાવે સંતોને દંડવત કરવા લાગ્યા. શ્રીજીમહારાજ સંતો દંડવત કરે છે એ જોઈ સંતો સામા દોડ્યા. શ્રીજીમહારાજનાં ચરણમાં પડી ગયા. શ્રીજીમહારાજને સૌ સંતો અહોભાવથી દંડવત કરતા હતા. શ્રીજીમહારાજ એક એક સંતને ઊભા કરીને પ્રેમભાવથી ભુજામાં લઈ ભેટ્યા. ઘણા સમયના યોગ પછી શ્રીજીમહારાજના આ દિવ્ય પ્રેમાશ્લેષથી ચૈત્ર-વૈશાખની ધખેલ ઘરા સમા સંતોનાં હૈયાં જેમ નીર મળતા પ્રેમભીનાં થઈ ગયાં. શ્રીજીમહારાજના પ્રેમે સૌ સંતો અશ્રુપૂર્ણ નેત્રે શ્રીજીમહારાજનાં માતૃવત્સલ પ્રેમના નિર્નિમેષ દર્શન કરી તૃપ્ત થઈ રહ્યા હતા.

આમ, શ્રીજીમહારાજ અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ હોવા છતાં સંતોનો મહિમા સમજી એમને રાજી કરતા.