ઈ.સ. 1985ની સાલમાં વાસણા મંદિરનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું હતું. ગુરુવર્ય પ.પૂ. બાપજીનો સંકલ્પ હતો કે શિખરબદ્ધ મંદિરમાં મધ્યખંડને વિષે ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવી. સંસ્થા ઘણી આર્થિક ભીસમાંથી પસાર થઈ રહી હતી.

     આ દરમ્યાન એક હરિભક્ત આવ્યા અને ગુરુવર્ય પ.પૂ. બાપજીને કહ્યું કે, “જો સ્વામી ! આપ મધ્યખંડને વિષે હું કહું તે પરોક્ષની મૂર્તિ પધરાવો તો 51,000 રૂપિયાની સેવા કરું. નાણાંની કટોકટી વચ્ચે 51,000 રૂપિયાની ઑફર ઘણી લલચામણી હતી છતાંય ‘સિદ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.’ 

     આ જીવનસૂત્રને અનુસરનારા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તત્કાળ જવાબ આપી દીધો કે, “તમે 51 હજાર નહિ 51 કરોડની સેવા કરો તોપણ મધ્યખંડમાં કે મંદિરમાં અન્ય કોઈ જગ્યાએ પણ પરોક્ષ અવતારોની મૂર્તિઓ પધરાવવામાં આવશે નહીં...! આ મંદિરમાં તો સ્વામિનારાયણ ભગવાન અને તેમના મુક્તો જ બિરાજમાન થશે અને રૂપિયા તો મહારાજ પૂરા પાડશે પણ રૂપિયા માટે અમે સિદ્ધાંતમાં સમાધાન નથી કરતા.”

     ગુરુવર્ય પ.પૂ. બાપજીની આવી નિષ્ઠાની ખુમારી ભર્યો જવાબ સાંભળી ક્ષણભર અવાચક્ થઈ ગયા.

     પોતે ગળગળા થઈ ઝૂકી પડ્યા અને કહ્યું, મેં હજુ સંપ્રદાયમાં આપના જેવા અડગ નિષ્ઠાવાન અને સિદ્ધાંતવાદી પુરુષ ક્યાંય જોયા નથી."

     આપના જેવા સિદ્ધાંતવાદી દિવ્યપુરુષના રજમાથી આ સ્વામિનારાયણ સંપ્રદાય ઝળહળી રહ્યો છે.” એટલું કહી તે હરિભક્ત ગુરુવર્ય પ.પૂ. બાપજીની નિષ્ઠાની ખુમારીને વંદી રહ્યા...