મઠ (ડોડિયા)ના કાળુભાઈ શંકરભાઈ પટેલ જેમના ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજી પધરામણી માટે પધાર્યા.

કાળુભાઈએ તેમના ઘરે રાખેલ નોકર કાંતિને અગાઉથી કહી રાખ્યું હતું કે, “તારા ઘરે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પધરામણી કરવા લેતો આવીશ; તું તૈયારી રાખજે.”

 ગુરુવર્ય પ.પૂ. બાપજી કાળુભાઈને ત્યાં પધાર્યા એટલે તેમણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને પોતાના નોકર કાંતિને ત્યાં પધારવા પ્રાર્થના કરી. રાતના 8:00 વાગી ગયા હોવા છતાં તે આદિવાસી છે અને એમાંય સત્સંગી થઈ ગયો છે એટલું જાણતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી રાજી રાજી થઈ ગયા ને તેને ત્યાં પધારવાની હા પાડી. તેનું ઘર ગોધર જતાં રસ્તામાં આવતા જાદેરડી ગામે હતું. એક નાની કેડી, ઘોર અંધારું, રાતના 9:00 વાગેલા ને રસ્તો પણ પથરાળ. જો તેમાં ગાડી ચલાવીએ તો ગાડીનાં ટાયર ફાટી જાય. ગુરુવર્ય પ.પૂ. બાપજીને સાથે સંતો પગપાળા અડધો કિલોમીટર ચાલી અંધારામાં રાત્રે 09:00 વાગ્યે તેના ઘરે ગયા.

 ગારમાટીનું સાવ નીચું મકાન. અડધા નીચા નમીને ગુરુવર્ય પ.પૂ. બાપજી અંદર પધરામણી કરવા પધાર્યા. અંદર જઈને જોયું તો એક ગોખલામાં માત્ર મહારાજ-બાપા બિરાજેલા અને બીજાં કોઈ દેવી-દેવતા ન હતાં.

 તેથી ગુરુવર્ય પ.પૂ. બાપજી ખૂબ રાજી થઈ ગયા. તેને પૂજા-પાઠ તથા નિયમ-ધર્મના કેટલાક પ્રશ્નો પૂછ્યા.

ગુરુવર્ય પ.પૂ. બાપજી તેની પર રાજી થઈ કહે, “આવા કૂબા જેવા ઘરમાં મહારાજ-બાપા બેઠા છે; અમે ખૂબ રાજી થયા.”

કાંતિના ઘરે આજુબાજુમાંથી કોઈ નહોતું આવ્યું એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ હળવેથી કહ્યું, “અમે આટલે બધે દૂરથી આવ્યા તોય તેં કોઈને ન બોલાવ્યા ?!”

મોટાપુરુષની દરેક ક્રિયા હેતુસભર હોય. જો ઘણાંકને બોલાવ્યા હોત તો એટલાની પર મોટાપુરુષની દૃષ્ટિ પડત ને એટલાનું પૂરું થઈ જાત.

કાંતિએ ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રત્યુત્તર આપતાં કહ્યું, “બાપજી, અત્યારે રાત્રે કોણ આવે ?”

 એટલામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીના કર્ણે થોડે દૂર ચાલતી ભજન મંડળીનો અવાજ સંભળાયો.

એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “પેલા ભજનો કોણ ગાય છે ? જા, એમને બોલાવી લાવ.”

 “બાપજી, એ રામાપીરના ભગતો છે; નહિ આવે.” કાંતિએ કહ્યું.

ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “જા, કે’ જે મારા ગુરુ આવ્યા છે; દર્શન કરવા હાલો... એટલે આવશે.”

કાંતિ જઈને બોલાવી લાવ્યો. તે બધા દારૂ પીને ભજન કરતા હતા. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ તે બધાને બેસાડી કથા કરી, સત્સંગ કરાવ્યો. બધાયના દારૂ છોડાવી કંઠી બાંધી સત્સંગી કર્યા અને "તમારા સર્વેનું પૂરું" એવા  આશીર્વાદ આપ્યા..

રાજાની નજરે ભિખારીની શું કિંમત ? પરંતુ આ દિવ્યપુરુષ, જેના સંપૂર્ણ કર્તા મહારાજ છે એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીની દૃષ્ટિએ તો અમેરિકાના ધોળિયા-ભૂરીયા કરતાં આદિવાસી ઘણો અધિક છે. એવું તેઓ કાયમ જણાવે છે.

ગુરુવર્ય પ.પૂ. બાપજી આદિવાસીઓને સત્સંગી કરી ગોધર મંદિરે પરત થયા.

 મંદિરે રાતના 11:15 વાગ્યે પહોંચ્યા એટલે સંતોએ માફી માંગતાં પ્રાર્થના કરી, “બાપજી, રાજી રહેજો. આપને જમવાનું ખૂબ મોડું થઈ ગયું.”

તરત ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા, “ના ના...! એ બિચારા આદિવાસીઓને મહારાજ ક્યાંથી ઓળખાય ? એ કૂબામાં મહારાજ ને બાપા બિરાજમાન હતા તો દર્શન થઈ ગયાં ને બીજા બધા આદિવાસીઓ નિર્દોષ હતા એટલે તેમને પણ મહારાજ ઓળખાઈ ગયા. એમાં કાંઈ અમારા દેહ સામું જોવાનું ન હોય.”

 આહાહાહા...! કેટલી કરુણા, દયા, સહન કરવાની ભાવના ને વળી મહારાજ ઓળખાવી દેવાની ઝંખના...!

આવા તો અનેક પ્રસંગો છે કે જેમાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એક આદિવાસી માટે આખા આખા ડુંગરો ચડ્યા હોય ને ઊતર્યા હોય.