“દયાળુ, આ શું છે ?”

     “સ્વામી, આ એક સંપ્રદાયના ધર્મગુરુ વિષેની માહિતી છે.”

     “તો, મારે શું કરવાનું ?”

     “સ્વામી, આપની જાણ માટે. એ ધર્મગુરુ હોવા છતાંય તેઓએ કેવા અઘટીત કાર્યો કર્યા છે તે સમાજમાં ખુલ્લાં પડ્યાં તેના કરતૂત બતાવવા માટે આ કાગળ લાવ્યો છું.

     “દયાળુ, તમે વાંચ્યા છે ?”

    “હા, સ્વામી.

    આટલું બોલતાં બોલતાં તો પ.પૂ. સ્વામીશ્રીએ તે બધા જ કાગળ ફાડી નાખ્યા.

     પેલા હરિભક્ત તો આશ્ચર્ય સાથે બોલવા લાગ્યા,

    “સ્વામી, તમે આ શું કરો છો ? કેમ ફાડી નાખ્યા ?

     પ.પૂ. સ્વામીશ્રી તે કાગળના નાના  નાના ટુકડા કરતા બોલ્યા,

     “જેની સાથે આપણે કોઈ લેવા-દેવા નથી તેમની જરૂર વગરની વાતો જાણવાની આપણે શી જરૂર ? મહેરબાની કરીને આવું મને ન આપશો.

     “પણ સ્વામી, આપણે સંસ્થા લઈને બેઠા છીએ તો આવી વાતો જાણવી ન પડે ?”

    “અરે દયાળુ, સંસ્થાનો વિકાસ આવી બાબતો જાણવાથી નથી થતો. આપણે જેટલું મહારાજની મૂર્તિમાં જોડાઈશું એટલો સ્વવિકાસ અને સંસ્થાનો વિકાસ બહુ થશે.

    “સ્વામી, રાજી રહેજો... પણ...

     “સંસ્થા લઈને બેઠા પણ તેમાં આવી નકારાત્મક વાતો જાણવાની કોઈ જરૂર નથી. આવી નકારાત્મક વાતો જાણવામાં આપણો સમય બગડે છે અને સાથે સાથે વિચારો પણ બગડે છે જે ભગવાનમાં જોડાવામાં વિઘ્નરૂપ છે, માટે આપને પણ વિનંતી કરું છું કે, આવી બાબતો જાણવામાં જિજ્ઞાસાવૃત્તિ ન રાખતા અને પૂ. સંતોને પણ આવું વાંચવા ક્યારેય ન આપતા.