રામાનંદ સ્વામીએ ભગવાનજીભાઈ સુથારના ડેલામાં સદાવ્રત બંધાવ્યું હતું. તે સદાવ્રતમાં ભિક્ષા યાચવા પૂર્વ દેશના બે વૈરાગી બાવા આવ્યા. શ્રીજીમહારાજ એ વખતે ત્યાં જ બિરાજતા હતા. ત્યારે શ્રીજીમહારાજે આ બે વૈરાગી બાવાઓ માટે ખાસ શીરો-પૂરી બનાવ્યાં અને પોતે સ્વયં પીરસી તેમને જમાડ્યા. આ બે વૈરાગી બાવાઓને આવા સ્નેહથી આજ દિન સુધી કોઈએ જમાડ્યા ન હતા. તેથી તેમને શ્રીજીમહારાજ પ્રત્યે સ્નેહીજન જેવું હેત થયું. સાથોસાથ તેમને શ્રીજીમહારાજના સ્વરૂપનું આકર્ષણ પણ થયું. ત્યારથી તેઓ શ્રીજીમહારાજની સભામાં નિયમિત આવવા લાગ્યા. શ્રીજીમહારાજની કથાવાર્તામાં કૌશલ દેશની ભાષાનો સૂર સાંભળી, તેમને શ્રીજીમહારાજ પ્રત્યે વધુ સ્નેહ થયો.

એક દિવસ શ્રીજીમહારાજે તેમને પૂછ્યું, “તમો બંને ક્યાંથી આવો છો ?”

તેથી તેઓ બોલ્યા, “અમે તો ઉત્તર કૌશલ દેશના સરવરિયા બ્રાહ્મણના પુત્રો હતા. પરંતુ વૈરાગ્યને લઈને ઘરનો ત્યાગ કરી ફરતાં ફરતાં જગન્નાથપુરી ગયા. પણ ત્યાં વર્ષો પહેલાં એક નાના બ્રહ્મચારી તીર્થ કરવા આવ્યા હતા તેમને માટે ત્યાં રહેતા નાગડા વૈરાગીઓમાં પરસ્પર ક્લેશ થયો અને તેમાંથી ખૂનખાર રમખાણ થયું. ઘણા એમાં મરી પણ ગયા. પણ અમે ત્યાંથી જીવ લઈને ભાગ્યા. પછી ફરતાં ફરતાં દ્વારિકા જવા ઇચ્છા હતી પરંતુ અહીં ભુજનગરમાં આવી ગયા. અહીં સદાવ્રત લેવા આવ્યા ત્યાં આપનો મેળાપ થઈ ગયો.”

તેમની વીતક સાંભળી શ્રીહરિ મંદમંદ હસવા લાગ્યા. શ્રીજીમહારાજે તેમને કહ્યું, “તો હવે તમારે દ્વારિકા તરફ ક્યારે જવું છે ?

બંને વૈરાગીઓ મુમુક્ષુ હતા. શ્રીજીમહારાજનાં દર્શનથી અને તેમની કથાવાર્તાથી તેમના અંતર નિર્મળ બન્યું હતું. તેથી તેમણે હાથ જોડીને શ્રીજીમહારાજને પ્રાર્થના કરતા કહ્યું, “મહારાજ ! અમારે તો હવે આપનાં દર્શન અને સત્સંગ મૂકીને ક્યાંય જવાની ઇચ્છા જ નથી.”

શ્રીજીમહારાજને તેમની વાતમાં રસ પડ્યો.તેમણે ફરી પૂછ્યું, “શું સમજીને અહીં અમારી સાથે રહેશો ? સમજણ વગર તો જ્યાં રહેશો ત્યાં દુઃખ અને પીડા આવ્યા વગર રહેશે જ નહીં.”

પરંતુ આ બે જણા – શ્રીજીમહારાજના સ્નેહીથી ભીના થયા હતા એટલે ગાંજ્યા જાય તેવા ન હતા. તેથી તેમણે કહ્યું, “અમારે તો મહારાજ ! આપના નિત્ય-અખંડ દર્શન અને સમાગમનું સુખ જોઈએ છે. તેનાથી અમારામાં સાચી સમજણ આવશે અને પછી આપ જ્યાં કહેશો ત્યાં જઈશું.”

તેમની વાત સાંભળી શ્રીજીમહારાજ રાજી થયા.

બીજે દિવસે હમીરસર તળાવમાં સ્નાન વિધિ માટે પધાર્યા. અહીં હમીરસરના આરે સ્નાન વિધિ પૂર્ણ કરીને શ્રીજીમહારાજે ત્યાં જ પૂજા, પાઠ, નિત્યવિધિ વગેરે કર્યા. ત્યારબાદ સુંદરજીભાઈને ઘેર પધાર્યા.. ત્યારપછી શ્રીજીમહારાજ ત્યાં જ ઠાકોરજી જમાડીને ડેલામાં પધાર્યા. અહીં રામાનંદ સ્વામીના પ્રસાદીભૂત ઓરડામાં જે પાટ હતી તે ઉપર શ્રીજીમહારાજ આથમણે મુખારવિંદે બિરાજ્યા. સર્વ હરિભક્તો તથા રામાનંદ સ્વામીએ ત્યાં રાખેલા સંતો વગેરે સૌ સભાના સ્વરૂપે નીચે બેઠા. પછી શ્રીજીમહારાજે બે વૈરાગી બાવાઓને બોલાવ્યા. તેઓ શ્રીજીમહારાજ પાસે આવ્યા ત્યારે શ્રીજીમહારાજે તેમને પોતાના સ્નેહપાસમાં બાંધવા પૂછ્યું, “અમારા સાધુ થશો ને ! ?”

તેથી તેમણે નિર્માની થઈ બે હાથ જોડી તરત જ હા કહી. એટલે શ્રીજીમહારાજે વાળંદને બોલાવી તેમનું મુંડન કરાવ્યું. પછી સ્નાન કરી તેઓ શ્રીજીમહારાજ પાસે આવ્યા. શ્રીજીમહારાજે તેમને બંનેને ભગવા વસ્ત્ર ઓઢાડ્યા અને બોલ્યા, “હવે આજથી તમારું નામ કૃપાનંદ અને વિરભદ્રાનંદ. હવે તમારાં કૌશલ દેશ, ન્યાત, જાત, સગાં-કુટુંબી સર્વે બળી ગયાં. હવે તમારો દેશ અમારી મૂર્તિ અને તમારી જાત મૂર્તિ.” એટલું કહીને તેમના કાનમાં દીક્ષા મંત્ર આપી બોલ્યા,  “આ બધાને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરો.”

એટલે તેમણે પ્રથમ શ્રીજીમહારાજને દિવ્યભાવે દંડવત પ્રણામ કર્યા. પછી આખી સભાને દાસભાવે દંડવત પ્રણામ કર્યા. શ્રીજીમહારાજ તેમનું દાસત્વ જોઈ રાજી થકા બોલ્યા, “અમારા સાધુ તો બાળકની જેમ નિર્માની જ હોવા જોઈએ.”

ત્યારપછી શ્રીજીમહારાજે તેમને જગન્નાથપુરીની વાત કરી અને કહ્યું, “તે નાના બ્રહ્મચારી તો અમે જ હતા. અમારે તો શસ્ત્ર પકડ્યા વિના અસુરોનો સંહાર કરવો હતો. એટલે અમારા મિષે જ તેઓ પરસ્પર લડ્યા અને તેમાં ઘણાં મરાયા તો કેટલાંક નાસી ગયા.”

શ્રીજીમહારાજે કથાવાર્તા કરતાં કરતાં તે બંનેને સમાધિ કરાવી દીધી. શ્રીજીમહારાજ તે બંનેને થોડી વારે સમાધિમાંથી પાછા લાવ્યા ત્યારે તેમણે ગદ્‌ગદ્‌ કંઠે શ્રીજીમહારાજને પ્રાર્થના કરતા કહ્યું, “હે મહારાજ ! આપ તો અધોઊર્ધ્વ ચારેકોર પ્રમાણે રહિત એવા અક્ષરધામના અધિપતિ સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમનારાયણ છો.”

આમ, શ્રીજીમહારાજે વૈરાગી બાવાઓને એક સ્નેહી તરીકે લાડ લડાવી, પોતાની મૂર્તિસુખના અધિકારી કરી દીધા.