સ્વામી, સ્વામી “કહેતાં મુખ ભરાઈ જાય...

સ્વામી આવે છે…” સાંભળતાં જ એમનું મુખારવિંદ પ્રસન્ન થઈ મલકાઈ ઊઠે...

“સ્વામી આવ્યા...? સ્વામી ક્યાં છે ?” એમ કહેતાં સ્વામીને મળવા, વિહ્‌વળ બનતા.

સ્વામીને મળવા... ભેટવા... રાજીપો આપવા... બાવરા બનતા.

સ્વામીના આગમનની આતુરતા જણાવતા.

આવી અપ્રતિમ પ્રીતિ... અપ્રતિમ સ્નેહ… શ્રીજીમહારાજ એમના અત્યંત પ્રિય સદ્‌. ગોપાળાનંદ સ્વામી માટે જણાવતા હતા જે સંપ્રદાયમાં સર્વવિદિત છે.

અબજીબાપાશ્રી પણ સદ્‌. ઈશ્વરબાપા પ્રતિ આવી અલૌકિક પ્રીતિ જણાવતા હતા. સદ્‌ગુરુબાપા આવ્યા જોઈને સ્નેહથી બોલી ઊઠતા, “આવલડી વાર કયા લગાડી વીરા ?!”

આવો જ દિવ્ય સ્નેહ... દિવ્યતમ પ્રીતડીનો નાતો... આજે વર્તમાનકાળે પણ દૃશ્યમાન થાય છે. એવું જ...!!! હા, બિલકુલ... અદ્દલ એવું જ દૃશ્ય...!!!

એવો જ પારાવાર પ્રેમ, એવો જ ગાઢો સ્નેહ... ગુરુવર્ય પ.પૂ. બાપજી પોતાના આધ્યાત્મિક અને વ્યવહારિક વારસદાર એવા પ.પૂ. સ્વામીશ્રી પર જણાવતા હોય છે.

 

ગુરુવર્ય પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે. પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહે કે, “બધાય સ્વામીશ્રી સામે દૃષ્ટિ રાખવી. એ વઢે, રોકે-ટોકે તોપણ ગમાડવું. મારે તમને રોક-ટોક કરવાની ઓછી છે, સ્વામીને રોક-ટોક ઝાઝી કરવાની છે એનામાં વિશેષ દિવ્યભાવ રાખવો.” ગુરુ પોતાના મુખે શિષ્યની વાત કરે તેમ છતાં ગુરુની ગરિમાને ક્યાંય ઝાંખપ આવી નથી બલ્કે તે સવિશેષ ગરિમાન થઈ છે. સ્વયં ગુરુ જ મહિમા ગાય અને તે પણ ગુરુવર્ય પ.પૂ. બાપજી જેવા ! કે જેમના મુખેથી નીકળતો શબ્દ અફર હોય. સુપ્રીમના જજમેન્ટ જેવો હોય...! ત્યારે એમના શબ્દોની કિંમત અમૂલ્ય હોય. એમની વાત નક્કર હોય તથા પથ્થરની લકીર સમાન હોય અને એવા સમર્થ ગુરુ પોતાના સમર્થ શિષ્ય માટે કેવા પ્રસંગે, કેવો કેવો ને કેટકેટલો બધો રાજીપો, મહિમા તથા કેટલા બધા સંકલ્પો જણાવતા હોય છે ! તેને જાણવાથી એના દ્વારા આપણને આ ગુરુ-શિષ્યનો નાતો કેવો હોય તે વધુ સ્પષ્ટ થશે :

- “અનંતકોટિ બ્રહ્માંડમાં આ સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) જેવો સાધુ શોધ્યો જડે તેમ નથી.”

- “સ્વામીશ્રી જેવો દયાળુ કોઈ નથી...! એનો રાજીપો જે કમાયો એ ન્યાલ થઈ જશે.”

- સંપ્રદાયના સઘળા સાધુને એક પલ્લામાં મૂકો ને બીજા પલ્લામાં સ્વામીને મૂકો તોય સ્વામીનું પલ્લું ઊંચું નહિ થાય.

- “સ્વામીને તો મહારાજે સ્પેશિયલ મોકલ્યા છે.”

- આ સ્વામી જે દિવસથી આવ્યો છે તે દિવસથી મારી સઘળી ચિંતા અને સઘળી જવાબદારી એણે માથે લઈ લીધી છે. મને નિશ્ચિંત કરી સાવ હળવો કરી દીધો છે. એ બધાની હારે માથા કૂટે, હેરાનગતિ વેઠે, ભીડો સહે, રાત્ય દી’ ઉજાગરા કરે. મારા માથે કશો બોજો ન આવવા દે. એના માથે કેટલીય મુશ્કેલીઓ આવે છતાં મને તેનો અણસાર ન આવવા દે. અને એટલે જ હું નિરાંતે હળવો થઈ સત્સંગમાં વિચરણ કરું છું. આખી સંસ્થાની જવાબદારી એને માથે... મારે માથે કાંઈ નહીં. એણે બધી રીતે નિશ્ચિંતતા અપાવી છે.

“સંતો તથા હરિભક્તોનું ઘડતર કરવાનો... શ્રીજીમહારાજના ગમતા પાત્ર કરવાનો આગ્રહ અને એ માટેનો એનો દાખડો... આ સ્વામી જેવો અત્યાર સુધી કોઈ સદ્‌ગુરુએ કર્યો હોય એવું જણાતું નથી એનો આગ્રહ જોઈએ... એની ધગશ જોઈએ તો ખ્યાલ આવે કે સૌને પુરુષોત્તમરૂપ પાત્ર કરવા માટે એ કેટલું કરે છે...! કેટકેટલાં અવનવાં આયોજનો કરે છે...! આપણે તો થાકી જઈએ...!”

પોતાના શિષ્ય સમક્ષ પોતાની આટલી ન્યૂનતા દાખવે ને શિષ્યને પોતાથી અધિક કહી શકે એવા વિરલ ગુરુઓ
કોણ ? કેટલા ? અનંતકોટિ બ્રહ્માંડમાં એક જ; ને તે આપણા ગુરુવર્ય પ.પૂ. બાપજી જ !!!

 

કોઈ પણ નવો મુમુક્ષુ સાધુ થવા આવે ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીની એક જ શીખ હોય, એમના મુખે એક જ વાક્ય બોલાય કે, “તું સ્વામીશ્રીની સામું દૃષ્ટિ રાખજે. સ્વામીશ્રી જેવો સાધુ થવાનો સંકલ્પ રાખજે. અથવા તો કહેશે તને સ્વામીશ્રી જેવો સાધુ કરવો છે.”

“આ સ્વામી પરભાવનો છે. પરભાવમાંથી આવ્યો છે એટલે સાથે પરભાવ લાવ્યો છે. એટલે એ આખા સત્સંગને પરભાવ દૃઢ કરાવવા મથે છે. અને આખા સત્સંગને એણે પરભાવમાં રાચતો કર્યો છે.”

“સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) મારી (ગુરુવર્ય પ.પૂ. બાપજી) સમક્ષ કેટલાંય આયોજનનું લિસ્ટ તથા પ્લાનિંગ કરીને આવે. એક પછી એક બતાવે અને જેમાં મરજી બતાવું એટલું જ રાખે... અને જેના ઉપર ના કહું તે ઉપર તરત જ ચોકડી મારી દે. આયોજન ગમે એટલું સારું હોય, એની પાછળ ગમે એટલી મહેનત કરી હોય પણ મારી મરજી ના જુએ એટલે તે આયોજન પર પૂર્ણવિરામ મૂકી દે. અને પાછો એનો રંચમાત્ર સંકલ્પેય નહીં. અને એટલું જ નહિ અમે જે રુચિ ન બતાવી હોય તે ફરી ક્યારેય બીજી વાર રજૂ કરી નથી. આવો મહિમા-દિવ્યભાવ જેને હોય તેનામાં જ મોટાપુરુષના બેઠા ગુણો આવે અને એ જ એમનો વારસો પામી શકે... આવું સ્વામી પાસેથી સૌએ શીખવું.

“સ્વામી અમારી રુચિ બહાર આટલું પણ (જરા પણ) ન કરે...! પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ કે એક વચનામૃતનું પુસ્તક પણ જો કોઈને ભેટ આપવું હોય તો એ મને પૂછ્યા વગર ન આપે...!”

“અમારા સંકલ્પથી સ્વામીનો સંકલ્પ જુદો નહિ, અમારી મરજીથી એની મરજી જુદી નહિ, અમારી રૂચિથી એની રુચિ જુદી નહીં - અમારો સંકલ્પ, અમારી મરજી ને અમારી રુચિ એ જ સ્વામીનો સંકલ્પ, મરજી ને રુચિ. કોઈ વાતે સ્હેજ જુદું નહીં. અને જે આવું કરી શકે, વર્તી શકે એની જ નેગેટિવની પોઝિટિવ થાય.”

ગુરુવર્ય  પ.પૂ. બાપજી પ.પૂ. સ્વામીશ્રીને તમામ ક્રિયામાં સાથે ને સાથે રાખે. એટલું જ નહિ, પણ આગળ કરે. મંદિરોમાં મૂર્તિઓની પ્રતિષ્ઠામાં એમને આગળ કરે, એમના હસ્તે બધું કરાવે, પાર્ષદ કે સંતોની દીક્ષામાં એમને સાથે જ રાખે ને એમને એમના જેવા ગુણો આવે તેવા આશીર્વાદ પણ આપવાનું કહે. એમ કોઈ પણ કાર્યમાં પ.પૂ. સ્વામીશ્રીને જ તેઓ મુખ્ય કરે. અરે ! એટલું જ નહિ, પ.પૂ. સ્વામીશ્રીની રુચિ-મરજીમાં રહેવાનો સ્વયં ખુદ પ્રયાસ કરે અને અન્યને પ.પૂ. સ્વામીશ્રીનો પરભાવનો મહિમા કરાવે.

સ્વામિનારાયણ ધામ ખાતે શુક્રવારની પ્રાતઃ સભામાં ગુરુવર્ય પ.પૂ. બાપજી પધાર્યા હતા. એ સમયે પ્રાર્થના મંદિરમાં સાધક મુક્તો તથા હરિભક્તો સભામાં પ્રાર્થના બોલી રહ્યા હતા. પ.પૂ. સ્વામીશ્રીનો સૌને આદેશ છે, રુચિ છે કે પ્રાર્થના બોલાય ત્યારે જે સમયે જ્યાં હોઈએ ત્યાં પ્રાર્થનાની અદબમાં આવી જવું. તમામ ક્રિયા બંધ કરી પ્રાર્થનામાં જોડાઈ જવું. ઊભા હોય તો ચાલવું પણ નહીં; પ્રાર્થનામાં જોડાવું.

ગુરુવર્ય પ.પૂ. બાપજી સાધક મુક્તોનો હાથ પકડીને ચાલતા હતા ને અચાનક ઊભા રહી ગયા. સાધક મુક્તોએ પૂછ્યું, “બાપા, કેમ ઊભા રહી ગયા ?” ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “પ્રાર્થના બોલાય છે. સ્વામીનો આદેશ છે ને કે પ્રાર્થના વખતે પ્રાર્થનાની અદબ જળવાવી જોઈએ એટલે ઊભા રહી ગયા છીએ.

એક સમયે એક હરિભક્તનો ગુરુવર્ય પ.પૂ. બાપજીનું કોઈ કામ હશે એટલે ફોન આવ્યો. જે હરિભક્તના મોબાઇલ પર ફોન આવ્યો હતો તે મોબાઇલ લઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીને આપવા આવ્યા. મોબાઇલ મોંઘો હતો. તે જોઈ ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ના પાડી. પેલા હરિભક્તને આશ્ચર્ય થયું કે કેમ ના પાડી હશે ! એટલે પૂછ્યું, “બાપા, કેમ ?” ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “સંતોએ મોબાઇલ ન વાપરવો જોઈએ એવી સ્વામીશ્રીની રુચિ છે; એટલે...!”

હકીકતમાં આ બધી રુચિ એમની સ્વયંની જ છે. જેમાં પ.પૂ. સ્વામીશ્રી સ્વયં વર્તે છે અને સૌને વર્તાવે છે. છતાં સારપ ને મોટપ શિષ્યને આપે છે. આ જ છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો અલૌકિક સંબંધ અને અલૌકિક રીત.