દેહનું દુ:ખ અધિક કે કથાવાર્તા અધિક ?
એપ્રિલ 2017માં વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી હરિભક્તોને સુખિયા કરવા ઑસ્ટ્રેલિયા પધાર્યા.
ઑસ્ટ્રેલિયા પધાર્યાના થોડા દિવસ પહેલાંથી પ.પૂ. સ્વામીશ્રીનું અવરભાવનું સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું. છતાંય તેની પરવા કર્યા વગર વિદેશ વિચરણ અર્થે પધાર્યા.
ઑસ્ટ્રેલિયા પધાર્યાના બીજા દિવસથી જ બ્રિસ્બેન ખાતે શિબિરનો પ્રારંભ થવાનો હતો.
જેટલેગ (દિવસ-રાતના સમયગાળા)ને લીધે તથા માંદગીને લીધે શિબિરના સાંજના સેશનમાં પ.પૂ. સ્વામીશ્રીને અવરભાવમાં અસહ્ય માથાનો દુખાવો ચાલુ થયો.
બીજી બાજુ પ.પૂ. સ્વામીશ્રી કથાવાર્તાનો સમય થયો.
10 મિનિટની રિસેસ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી આસને આડા પડખે થયા.
રિસેસ પૂરી થતાં પૂ. સંતોએ કથાવાર્તા ચાલુ કરી અને આ બાજુ અન્ય સંતોએ પ.પૂ. સ્વામીશ્રીને લાભ ન આપવા માટે આગ્રહભરી પ્રાર્થના કરી.
પ.પૂ. સ્વામીશ્રી અવરભાવના સ્વાસ્થ્યને તથા પૂ. સંતોની વિનંતી બંનેની અવગણના કરી સંતોને કહ્યું,
“સંતો, દેહનું દુ:ખ અધિક કે કથાવાર્તા અધિક ? તમારી પ્રાથના અધિક કે મહારાજની આજ્ઞા અધિક ? મહારાજ લાભ આપતા હોય તો પછી આરામ ન થાય. વળી મહારાજે અમને અહીં હરિભક્તોને કથાવાર્તાએ કરીને સુખિયા કરવા મોકલ્યા. માટે આરામ તો ન થાય.”
આટલું જણાવી તેઓ તરત સભામાં પધાર્યા. તેઓએ સભામાં પૂ. સંતોના પ્રવચનનો લાભ લીધો.
ત્યારબાદ અવરભાવમાં અસહ્ય દુખાવો હોવા છતાંય તેઓએ 1:30 કલાક અવિરત કથાવાર્તાનો બળપ્રેરક લાભ આપ્યો.
તેઓએ એક પણ શિબિરાર્થી મુક્તને પોતાના અવરભાવના સ્વાસ્થ્યની નાદુરસ્તીનો સહેજ પણ અણસાર ન આવે તે રીતે કથાવાર્તાનો લાભ આપ્યો.