એક સમયે એક મંદિરના મહંત શીતલદાસજી ઠાકોરજીનું પ્રસાદીનું ચરણામૃત પાત્રમાંથી આચમની ભરી ભરીને આપતા હતા. ઘનશ્યામ પ્રભુ ત્યાંથી પસાર થયા.

     શીતલદાસે ઘનશ્યામ પ્રભુને જોયા એટલે ચરણામૃત લેવા બોલાવ્યા.ઘનશ્યામ પ્રભુને ચરણામૃત લેવાની મુદ્લ ઇચ્છા નહીં. પણ મહંત નારાજ ન થાય, તેનું અપમાન ન લાગે તે સારુ હાથમાં ચરણામૃત લીધું પણ થોડે દૂર જઇ ઢોળી દીધું.

     ઠાકોરજીના ચરણામૃતને ઢોળતાં શીતલદાસ જોઇ ગયા.તે એકદમ ગુસ્સે થઇ ગયા ને બોલવા લાગ્યા,

     “ઘનશ્યામ ! તમે ઠાકોરજીના ચરણામૃતને ઢોળી કેમ નાખ્યું ? તમે ઠાકોરજીનું ચરણામૃત ન લઈ અપમાન કર્યું છે. તમને પ્રસાદીના જળની કોડી જેટલીય કિંમત નથી. સાવ ગમાર લાગો છો.”

     ઘનશ્યામ પ્રભુએ શાંત ચિત્તે એકદમ ઠંડાગાર અવાજે ધીમેથી કહ્યું, “શીતલદાસ, તમે પ્રસાદીના જળના મહાત્મ્યની વાત કરો છો, પણ એ પ્રસાદીનું જળ કેવું ગંધાતુ હતું તેની તમને ક્યાં ખબર છે ? એ જળ જે પાત્રમાં રહેલું છે તે પાત્ર કેટલા દિવસથી માંજ્યું નથી. તેમજ ચરણામૃત કેટલા દિવસનું વાસી છે અને તમે બધાને ચરણામૃત પિવડાવી રહ્યા છો તે અળગણ છે. એની પણ તમને ખબર છે.?”

     શીતલદાસ કહે, “એવું બને જ નહિ, મારા ચેલાઓ નિત્ય બરાબર સેવા બજાવે છે.”  ઘનશ્યામ પ્રભુએ અંતર્યામીપણે ફરી કહ્યું, “શીતલદાસ ! તમે અંદર જઈ ખાતરી તો કરો.”

     શીતલદાસ ખાતરી કરવા ઊભા થયા ને અંદર જઈ પ્રસાદીના જળનું પાત્ર ઉઘાડ્યું તો અંદર તો વંદા આદિક અનેક જીવજંતુ મરેલાં પડ્યાં હતાં. આવું ગંધાતું પ્રસાદીનું જળ જોઈ શીતલદાસનો ગુસ્સો આસમાને પહોંચી ગયો.

     તેમણે ઘાંટો પાડી સેવકોને બોલાવ્યા ને ક્રોધ કરીને જેમતેમ બોલવા લાગ્યા... પછી ચેલાને મારવા દોડ્યા.

     ઘનશ્યામ પ્રભુએ તેમને વારતા કહ્યું, “શીતલદાસ ! તમે શીતલદાસ છો પહેલાં શાંત થાવ. ત્યાગીને આવો ક્રોધ-ગુસ્સો ન શોભે.” એમ કહી શીતલદાસને શાંત કર્યા. શીતલદાસને પોતાની ભૂલ્યનો અહેસાસ થયો.

     તેમણે ઘનશ્યામ પ્રભુને કહ્યું, “તમે આ ભૂલ્ય ઓળખાવીને  સારુ કર્યું, નહિતર કેટલાયનું રૂડું થવાને બદલે અહિત થઈ જાત. તમે અંતર્યામીપણે જાણી મને ઉગારી લીધો. પ્રભુ ! તમે અંતર્યામી ખરા.” એમ ઘનશ્યામ પ્રભુનો ખૂબ ગુણ લીધો.