“દાદા, ઓ દાદા કોનો પત્ર આવ્યો છે ?”

“મોટીબા, એ તો ભાવેણા દરબારનો…

વજેસિંહ બાપુ આપણે ત્યાં મહારાજના દર્શન કરવા બે દિવસ પછી આવે છે.”

“આપણે નાની રિયાસતમાં આવડા મોટા રજવાડાં ક્યાંથી ?”

“દાદા, મને તો એનો આનંદ છે કે રાજાને શ્રીહરિનાં દર્શન થઈ જશે. આ પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિનાં દર્શન એમને ક્યાંથી હોય ?!”

વાત એમ હતી કે ખુમાણો અને ભાવનગર રાજ્ય વચ્ચેની તકરારનું સમાધાન ભગવાન શ્રીહરિની અનુજ્ઞાથી દાદાખાચરે કરાવી આપ્યું તેથી વજેસિંહબાપુએ વિચાર્યું કે,

“દાદાખાચરનું મારા પર ઋણ ઘણું છે, મેં તેમને તથા તેઓના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને ખૂબ પરેશાન કર્યા છે તે પરેશાનીને ન ગણતાં અમારા વચ્ચે સુલેહ કરાવી આપ્યો તે માટે મારે ગઢપુર તેમનો આભાર વ્યક્ત કરવા અને ભગવાન શ્રીહરિનાં દર્શને જવું જોઈએ.”

આ વિચારથી ભાવનગર નરેશે દાદાખાચરને પત્ર લખ્યો હતો. દાદાખાચર આ પત્ર લઈ તુરત મહારાજ પાસે આવ્યા અને પત્ર વાંચી સંભળાવ્યો.

શ્રીહરિ વજેસિંહબાપુની ખાનદાની અને ઋણ અદા કરવાની રીત જોઈ પ્રસન્ન થયા.

દાદાખાચરે મહારાજને કહ્યું, “મહારાજ ! આવડા મોટા રાજ્યના રાજા આપણે ત્યાં પધારે છે તો કંઈક નજરાણું કરવું પડશે. તો આપ જેમ આજ્ઞા કરો તેમ કરીએ.”

“અરે દાદા, બાપુ અહીં દર્શને આવે છે તેથી કોઈ ભેટ નહિ સ્વીકારે છતાંય આપણે તૈયારી રાખવી ખપે. એક કામ કરો :

તેઓને ભેટ-સોગાદમાં એક તો પાંચસો એક રૂપિયાનો થાળ મૂકો. બીજું તેમને પોષાકમાં કીમતી એવું શેલું અને સાફો બનાવડાવો અને આપણે ત્યાં આવે છે તો જમાડ્યા વગર જવા ન દેવાય માટે મોતૈયા, જલેબી અને સાટા જેવી સારી મીઠાઈના પાંચ થાળ કરો.”

શ્રીહરિ સ્વયં પરભાવનું સ્વરૂપ હોવા છતાંય અવરભાવની વ્યવહારકુશળતા તથા અવરભાવનો વિવેક કેવો દાખવવો તે આ પ્રસંગ પરથી છતો થાય છે.

શ્રીહરિની અનુજ્ઞા પ્રમાણે દાદાખાચરે મોટીબાને તૈયારી કરવા કહ્યું તથા વજેસિંહ બાપુ આવ્યા.

ત્યારે એ મુજબ તેઓની આગતા-સ્વાગતા કરી.