યુવકોનું માતૃવાત્સલ્ય જતન પ્રસાદ દ્વારા
પ.પૂ. બાપજી ઘનશ્યામનગરમાં પાંચ-પાંચ દિવસના બ્રહ્મસત્ર કરતા.
તે બ્રહ્મસત્રનો છેલ્લો દિન હોય ને બધા યુવકો બપોરે ઘેર જવાના હોય ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી અદ્ભુત રીતે સૌની વિશેષ સંભાળ લેતા.
છેલ્લા દિને બપોરની સભા પૂર્ણ થાય એટલે સૌ જમવા જતા. આ બાજુ ગુરુવર્ય પ.પૂ. બાપજી ભંડારમાં જતા અને પોતાના વ્હાલસોયા સૌ યુવકો માટે જાતે જ મીઠાઈ ને ફરસાણ 500 કે 700 ગ્રામનાં પડીકાંમાં ગાંઠિયા-મોતૈયા, લાડુ આદિ લઈ પ્રસાદી બાંધવા બેસી જતા. તે સેવા ખૂબ ઝડપથી પૂર્ણ કરી પોતાના આસને બેસી જતા.
યુવકો જમાડી લે પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીના આસને દર્શન માટે જતા. એટલે ગુરુવર્ય પ.પૂ. બાપજી બળનાં વચનો કહેતા.
“સ્વામી, અમે જઈએ છીએ. અમને બ્રહ્મસત્રનું બહુ સુખ આવ્યું !”
“કંઈ તકલીફ તો નથી પડી ને ?”
“ના સ્વામી, કંઈ જ નહીં. સ્વામી, ઘરે આવું મળતું નથી.”
યુવક જ્યાં એમનાં દર્શન કરી ઊભા થવા જાય એટલે હાથ પકડી કહેતા : “લે આ પીરહણું ઘરે લઈ જા.”
“સ્વામી, અમે તો ઘેર જઈશું એટલે ઘરે તો બધું હશે.”
“ના, પીરહણું ઘરે લઈ જવાનું છે. ઘરના બધા ભેગા મળી જમાડજો.”
યુવકો એમની આ રીતથી ગળગળા થઈ જતા.