વિદેશ વિચરણમાં જીર્ણશીર્ણ ધોતલીનો આગ્રહ રાખ્યો.
દેશમાં હોય કે વિદેશમાં પરંતુ ગુરુવર્ય પ.પૂ.બાપજીની રહેણીકરણી, રીતભાત તદ્દન સાદી અને એકધારી જ હોય; તેમાં કોઈ ફેર ન પડે.ઈ.સ.2010માં ગુરુવર્ય પ.પૂ.બાપજી જુલાઈ-ઑગસ્ટમાં કૅનેડા નૂતન મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે તથા USAના વિચરણ અર્થે એક મહિનો પધાર્યા હતા.
ભારતમાં ગમે ત્યાં હોય તોપણ ગુરુવર્ય પ.પૂ.બાપજી વિચરણમાંથી પાછા પધારી પોતાના આસને બિરાજે ત્યારે કાયમ એક જીર્ણશીર્ણ થઈ ગયેલી ધોતલી ઓઢીને બિરાજે.
ઘણી વાર સંતો-હરિભક્તો ના પાડતા તોપણ કહેતા કે, “આમાં જ સાધુની શોભા છે. ફાટેલું તો નથી ને ! આવી સાદગીમાં જ મહારાજ રાજી થાય. એમાં જ આપણી શાન વધે, ભપકાથી નહીં.”
સંતો એક મહિના માટે વિદેશ જવાનું હોવાથી ત્યાં ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ જર્જરિત ધોતલી સાથે લઈ ગયા નહોતા.
ગુરુવર્ય પ.પૂ. બાપજી સભા પ્રસંગ પૂરો થતાં આસને પધાર્યા કે તુરત એ જૂની ધોતલી સંતો પાસે માગી.
સંતોએ કહ્યું, “બાપજી એ તો અમે લાવ્યા જ નથી. એની અહીં શી જરૂર છે ? એવી જર્જરિત ધોતલી અહીં કેવી લાગે ?”
ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ સંતોને શીખ આપતાં કહ્યું, “સંતો, દેશમાં હોઈએ કે વિદેશમાં હોઈએ પણ આપણા સાધુની રીત એકધારી અને સાવ સાદી જ જોઈએ. વિદેશમાં આવ્યા તો તેના રજોગુણમાં લેવાઈને આપણી સાદગી મૂકી દેવાની નહીં.”
રોજ બપોર પડે ને રાત પડે ગુરુવર્ય પ.પૂ.બાપજી સંતોને કહેતા કે, “ મને એ જૂની ધોતલી વગર નવું ભગવું વસ્ત્ર ઓઢવું નથી રુચતું.” એમ કહી તેમના સાદગીભર્યા જીવનનો આગ્રહ દર્શાવતા.
છેવટે થોડા દિવસ પછી ભારતથી સંતો કૅનેડા પ્રતિષ્ઠા પ્રસંગે આવતા હતા; તેઓની પાસે ધોતલી મગાવી.
સંતોએ ધોતલી આપી ત્યારે તેઓ તેને ઓઢીને રાજી થયા.
“બાપજી, આપ રાજી ને !” સંતોએ હાથ જોડીને કહ્યું.
“હા. અમે સાદગીમાં જ રાજી છીએ.સંતો, હંમેશાં ધ્યાન રાખજો. આપણે દેશમાં હોઈએ કે વિદેશમાં ધોતિયાં-ગાતડિયાં પણ જુદાં ન રખાય. આપણી સાદાઈ તો ક્યારેય ન છોડવી.”
સંતો પણ અહોભાવ સાથે ગુરુવર્ય પ.પૂ.બાપજીના આ સાદગીના આગ્રહથી જીવનમાં સાદગીના આગ્રહી રહેવાનો પાઠ શીખ્યા.
આ સાદગીને સોહાવનાર, સાદગાઈના મૂર્તિમંત સ્વરૂપ એવા ગુરુવર્ય પ.પૂ. બાપજીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન...