અવરભાવની સેવા કરતા મૂર્તિરૂપે વર્તવાની પૂ. સંતોને ટકોર.
એક સમયે પ.પૂ.સ્વામીશ્રી કાર્યાલયની મિટિંગ હોવાથી નિત્યક્રમ કરતાં રાત્રે ઠાકોરજી જમાડવા મોડા પધાર્યા. રાત્રે 8:30 વાગી ગયા.નિત્યક્રમ મુજબ કીર્તનભક્તિ ચાલુ થઈ ગઈ.
પ.પૂ.સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા પધાર્યા ત્યારે પ.પૂ.સ્વામીશ્રીને પીરસવાની સેવા કરવા માટે ત્રણ-ચાર પૂ. સંતો આવી ગયા અને પીરસવાની સેવા કરવા લાગ્યા.
એક સંતે શાક આપ્યું તો બીજા સંતે ભાખરી, વળી ત્રીજા સંત દૂધ લઈ આવ્યા.
અવરભાવવાળાને કોઈક પોતાની સેવા કરે તે બહુ ગમે પણ આ તો પ.પૂ.સ્વામીશ્રી હતા.
પ.પૂ.સ્વામીશ્રીને પોતાની સેવામાં રહેલા સંતો પર રાજીપો થવાને બદલે અણગમો થયો અને તરત સંતોને ટકોર કરતાં કહ્યું,
“સંતો,રાજી રહેજો મિટિંગને લીધે અમારે જમાડવાનું મોડું થયું. મારે તો કીર્તનભક્તિનો લાભ જશે પણ તમો શા માટે લાભ ગુમાવો છો ? અમને પીરસવા એક જ સંત રહો; બીજા બધા કીર્તનભક્તિમાં જાવ અને મૂર્તિમાં રહીને કીર્તનભક્તિ કરજો.”
પૂ.સંતોને મનોમન ગડમથલ ચાલી કે, “સ્વામીએ કીર્તનભક્તિમાં જવાની આજ્ઞા કરી એટલે જવું પડશે પણ મોટાપુરુષને પીરસવાનો લાભ જશે...!!”
પ.પૂ.સ્વામીશ્રી તેમની વ્યથાને જાણી ગયા તેથી ખરો લાભ શામાં છે તે જણાવતાં કહ્યું,
“સંતો,તમો અમારી અવરભાવની સેવા કરવા માટે આવ્યા પણ અમારો ખરો રાજીપો શામાં છે તે ચૂકી ગયા...?? તમો અમને પીરસીને જમાડો,અવરભાવની સેવા કરો તેનાથી અમે રાજી નથી થતા પણ તમે જ્યારે મૂર્તિરૂપે વર્તશો અને અમારા સિધ્ધાંતો ને આદર્શોને તમારા જીવનમાં ચરિતાર્થ કરશો તેનાથી અઢળક રાજીપો થશે. કીર્તનભક્તિ દ્વારા મૂર્તિમાં પ્રીતિ થાય, સમજણ દૃઢ થાય જે અમારી અવરભાવની સેવા કરતાં અધિક છે.ખરેખર તો અમે એક સંતને પણ અહીં ન રોકીએ; બધાને મોકલી દઈએ પણ તમને રાજી રાખવા એક સંતને અહીં સેવામાં રાખું છું. માટે અવરભાવની સેવા કરતાં સ્વવિકાસના આગ્રહી બનજો.”