ભગવાન શ્રીહરિ સંવત 1881માં સુરતમાં પધાર્યા હતા. ત્યાં ભગવાન શ્રીહરિના અનન્ય આશ્રિત એવા અરદેસર કોટવાળના ભવને મહારાજ ઊતર્યા.

     અરદેસર કોટવાળ અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોટવાળ (અમલદાર) હતા. મોટા મોટા અંગ્રેજ અમલદારો પણ તેમને પૂછીને કાર્ય કરતા. તેવી તેમની પાસે બુદ્ધિ, ચાતુર્યતા, આપસૂઝ અને વ્યવહારકુશળતા હતી. તેમ છતાંય, શ્રીહરિનાં દર્શન કરવા આવતાં ત્યારે ચરણોમાં ઝૂકી નિરંતર પ્રાર્થના કરતા.

     એક વખત શ્રીહરિનો ઉતારો તેમના ભવને હતો. મહારાજ જ્યારે ગઢપુર ભણી પધાર્યા ત્યારે અરદેસર કોટવાળે મહારાજને દીન-આધીન પ્રાર્થના કરી કે,

     “હે મહારાજ ! હું સત્સંગમાં સદા દાસાનુદાસ થઈને રહી શકું એવી દયા કરજો.

     શ્રીહરિ તેમની આવી પ્રાર્થના સાંભળી અંતરથી ખૂબ રાજી થયા અને રાજીપો વરસાવતા પોતે ધારણ કરેલી પ્રસાદીની પાઘ તેમના મસ્તક પર મૂકી.