“સમર્પિત મુક્તોને કરકસરનો ગુણ શીખવ્યો.”
“સાધુજીવન એટલે સાદું જીવન, સાધુનું ખાતું સાવ સાદું હોય અને સાથે સાથે કરકસરેયુક્ત હોય. આપણી હરિભક્તો જે વિશ્વાસથી સેવા કરે છે તેના એક એક પૈસાને ઠાકોરજી સુધી પહોંચાડવા આપણા સૌમાં કરકસરનો ગુણ અતિ દૃઢ જોઈએ.”
સર્વે STKના મુક્તો પ.પૂ. સ્વામીશ્રીના અભિપ્રાયો અને રુચિને એકાગ્રચિત્તે સાંભળતાં સાંભળતાં મહત્ત્વના મુદ્દા નોંધી રહ્યા હતા. તેવામાં પ.પૂ.સ્વામીશ્રીની દૃષ્ટિ આગળ બેઠેલા એક સમર્પિત મુક્તની નોટ પર પડી, તેઓ સભાલેખન કરતા હતા.
સ્વાભાવિક રીતે લેખનકાર્ય જે રીત પ્રમાણે કરતા હોઈએ તેમ હાંસિયો છોડી લખતા હતા.ત્યારે પ.પૂ.સ્વામીશ્રી તેમને ઉદ્દેશીને કરકસરનો દિવ્ય ગુણ સ્વજીવનમાં ચરિતાર્થ કરાવવા બોલ્યા,
“આ સેવકે મારા જીવનકાળ દરમ્યાન નોટના પાનાનો હાંસિયો પણ લખ્યા વગરનો ખાલી નહિ રાખ્યો હોય, શા માટે ? તો કરકસર કરવા,એટલી જગ્યા પણ ખાલી છોડી હરિભક્તોની સેવાનો દુર્વ્યય કરવાનો ને ! માટે દરેક જગ્યાએ બચાવ કરતા શીખો. જરૂરિયાતો ને વપરાશ ઘટાડતા શીખો.”
જેઓ એક હાંસિયો પણ લખ્યા વગર કોરો ન છોડતા હોય તો તેમના જીવનમાં બીજી બાબતોમાં કેવી કરકસર જોવા મળતી હશે !! તેનો દિવ્ય અનુભવ તો નિકટના સંત-હરિભક્તને જ થાય.