એક વખત અગત્રાઈના પર્વતભાઈ, મયારામ ભટ્ટ અને પર્વતભાઈનાં ધર્મપત્ની કેસરબાઈ ગઢપુર શ્રીહરિનો સમાગમ કરવા ગયાં હતાં.

     શ્રીહરિનાં દર્શન, સમાગમની ભૂખમાં પર્વતભાઈ સભાસ્થળ છોડી જમવા જતા નહિ ને દિવસ દરમ્યાન ભગવાનમય રહેતા.

     આ વાતને સાત દિવસ થયા ત્યારે અંતર્યામી શ્રીહરિએ મયારામ ભટ્ટને બોલાવી પૂછ્યું, “ભટ્ટજી, તમો સાત દિવસથી અહીં આવ્યા છો તો આ પર્વતભાઈ તમારી જોડે જમાડવા આવે છે ને ?”

     “ના દયાળુ, અમારી સાથે નથી આવતા.”

     “ના, અહીં કે સંતોના રસોડે તો ઠાકોરજી જમાડવા નથી આવતા.”

     “તો તમે કેસરબાઈને પૂછો કે પર્વતભાઈ ક્યાં જમે છે ?”

     ત્યારે પર્વતભાઈનાં ઘરનાને પ્રશ્ન પૂછતા જવાબ મળ્યો કે, “અહીં આવતા નથી, મહારાજની ભેળા પ્રસાદી લેતા હશે.”

     પછી તો સૌના સાંભળતા શ્રીહરિએ સભામધ્યે પર્વતભાઈને પૂછ્યું કે,

     “તમો ક્યાં જમો છો ?”

     “મહારાજ, તમારી દિવ્ય મૂર્તિનું સુખ મૂકી અન્નજળ કોને ભાવે ? આપનાં દિવ્ય દર્શનથી એવી તૃપ્તિ થઈ ગઈ છે કે અન્નજળ પણ યાદ આવતા નથી. દેહની કોઈ ક્રિયા કે કોઈ પદાર્થ પણ સાંભરતા નથી. બસ, અખંડ આપની મૂર્તિમાં જોડાયેલા રહેવામાં બહુ સુખ આવે છે.”