એક સમયને વિષે શ્રીજીમહારાજ ગઢપુરમાં બિરાજ્યા હતા. સભાનો સમય થતા સર્વે સંતો-હરિભક્તો લીંબતરુ નીચે બેઠા. શ્રીહરિ ઢોલિયા પર બિરાજ્યા.

     આજે શ્રીહરિને સભામાં મહાત્મ્યની વાતો નહોતી કરવી પણ સંતો-હરિભક્તોના મહાત્મ્યસભર જીવનની ચકાસણી કરવી હતી; તેથી સભાને ઉદ્દેશીને બોલ્યા,

     “હે સંતો, હે હરિભક્તો, જે આ ઢોલિયાના સત્સંગી હોય તે ઢોલિયા કેડે બેસો અને જે સત્સંગીના સત્સંગી હોય તે નોખા બેસો.

     આખી સભા ઊભી થઈ અને શ્રીજીમહારાજના ઢોલિયા ફરતે બેસી ગઈ.

     માત્ર એકલા પર્વતભાઈ જ નોખા બેઠા હતા.

     સૌ બેસી ગયા પછી શ્રીજીમહારાજ ધીરે રહી ઢોલિયા પરથી ઊભા થયા અને પર્વતભાઈની ભેળા જઈ બેસી ગયા.

     મહારાજની આ લીલા સૌ આશ્ચર્યવત્ નિહાળી રહ્યા પણ કોઈને ગમ ન પડી.

     મહારાજે સૌ સંતો-હરિભક્તોને ઉદ્દેશીને કહ્યું,

     “તમે બધા તો ઢોલિયાના સત્સંગી છો જ્યારે અમે તો સત્સંગીના પણ સત્સંગી છીએ... દાસનાય દાસ છીએ.