વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ઈ.સ. 2011માં ગાંધીનગર સેક્ટર 6ના મંદિરમાં એકાંત માટે પધાર્યા હતા.

    મંદિરથી નજીકમાં રહેતા હરિભક્ત શ્રી વિનુભાઈ દરજી દરરોજ ઠાકોરજીના થાળ અને પૂ. સંતો માટે શાકભાજીની સેવા કરતા.

    એક વખત પ.પૂ. સ્વામીશ્રીને રસોડામાં ઠાકોરજી જમાડવા પધારવું અને શ્રી વિનુભાઈનું મંદિરે દર્શનાર્થે આવવું.

     વિનુભાઈ પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન થતાં આનંદવિભોર થઈ ગયા અને પ.પૂ. સ્વામીશ્રીને પૂછવા લાગ્યા,

     “સ્વામી, આવતી કાલે કયું શાક લાવું ? કયું શાક જમાડવું છે ?”

     “વિનુભાઈ, આપને મહારાજ જે સુઝાડે તે લાવજો.”

    “સ્વામી કહોને, આપ જે કહેશો તે લાવી આપીશ.”

     “વિનુભાઈ, અમો સંત છીએ; અમારાથી હરિભક્તો પાસે સામેથી શાક ન મગાવાય એવી મહારાજે ધર્મામૃતમાં રુચિ દર્શાવી છે.”

    છતાં પણ વિનુભાઈએ આગ્રહ ચાલુ રાખ્યો.

     પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું,“એક કામ કરો આવતી કાલે કારેલાં લઈ આવજો બસ.”

    ત્યારે વિનુભાઈ અણગમા સાથે બોલી ઊઠ્યા,

     “સ્વામી, કારેલાં...! કારેલાં તે કાંઈ શાક કહેવાય ?”

    “તો શું ફળ કહેવાય ? અનાજ કહેવાય ? સૂકોમેવો કહેવાય ?”

     આમ, પ.પૂ. સ્વામીશ્રી તેમના અણગમાને જાણી તેમની સાથે આનંદ કરાવતાં હળવીશૈલીમાં બોલ્યા.

    વિનુભાઈને કારેલાંનું શાક અપ્રિય હતું. તેથી પ.પૂ. સ્વામીશ્રીને બીજું શાક લાવવા માટે આગ્રહ કરવા લાગ્યા.

     “વિનુભાઈ, આજે આપે બહુ આગ્રહ કરી શાક લાવવાનું પૂછ્યું ત્યારે શાકનું કહ્યું પણ સેવક ઠાકોરજી જમાડવા બેસે ત્યારે આટલા વર્ષોમાં ક્યારેય કયું શાક છે ? શું મેનૂ છે ? એવું પૂછ્યું નથી કે જોયું પણ નથી. પત્તરમાં જે આવે તે ભેળું કરી તેમાં પાણી નાખી મહારાજને જમાડવાના.”

     “હેં સ્વામી... ભાણામાં આવે તે જમી લેવાનું ! ?”

     “અરે વિનુભાઈ, મહારાજની પ્રસાદી છે, કારેલાંય પ્રસાદી અને કંકોડાનું શાક પણ પ્રસાદી છે, એમાં શું ભેદ પાડવાનો ? આપ જ કહો પ્રસાદી ગમે તેવી હોય તોય તેનો અનાદર થાય ?”

     “ના સ્વામી... પ્રસાદી તો પ્રસાદી કહેવાય.”

     “બસ ત્યારે, અવરભાવ જોઈએ તો રાગ-દ્વેષ ઉત્પન્ન થાય, અને જેનું નામ છે તેનું રૂપ છે, કારેલાં ન ભાવતા હોય તો દ્વેષ થાય અને બટાકા ભાવતા હોય તો રાગ થાય.”

     “સ્વામી, આવું તો અમને ઘણું રહે...”

     “જો પરભાવ તરફ પ્રયાણ કરવું હોય તો શા માટે અવરભાવ પાકો કરવાનો ? માત્ર શાક માટે નહિ અવરભાવની તમામ વસ્તુ, વ્યક્તિ, પદાર્થોમાં આ સિધ્ધાંત લાગુ પડે અને અમો અવરભાવમાં સંતની પદવી ધારણ કરી છે તો સાધુ તો રાગ-દ્વેષથી પર હોય. માટે પરભાવ તરફ પ્રયાણ કરવા અવરભાવમાં અનાદિમુક્ત તરીકે આવી જીવનશૈલી કેળવવી પડે.”