“દાદા અમને વિચાર આવે છે કે, અમે તારા ઘરે રહીએ છીએ એટલે જ તારે આ બધી ઉપાધિઓ આવે છે. અને અનેક કષ્ટો અને દુઃખ સહન કરવા પડે છે,

     તને ક્યાંય સુખ-શાંતિ મળતા નથી. માટે જો અમો બીજે જતા રહીએ તો તું સુખી થઈ જાય.” મહારાજે દાદાખાચરને અક્ષરઓરડીમાં બોલાવી કહ્યું.

     મહારાજ આટલા શબ્દો પૂરા કરે તે પહેલાં તો દાદાખાચર અત્યંત દ્રવિત થઈ રુદન કરવા લાગ્યા અને મહાપ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું,

     “સાચા સુખનું મૂળ તો આપ જ છો, આપની મૂર્તિમાં જ બધાં સુખ રહ્યાં છે અને અત્યારે મારી પાસે જે કંઈ અવરભાવમાં સુખ છે તે પણ આપને લઈને જ છે.” આટલું બોલતા તો દાદાખાચરને ગળે ડૂમો બાઝી ગયો અને મહારાજના ચરણમાં પડી ફરી બોલ્યા,

     “મહારાજ, મને આપના તુલ્ય બીજા કોઈ સુખનું મૂલ્ય નથી, બાકી સંસાર તો દુઃખથી જ ભરેલો છે. મારે મન આપથી અધિક કોઈ સુખ નથી, માટે ફરી આવી વાત સેવક આગળ કરશો મા...”

    શ્રીહરિ આવી રીતે પોતાને કારણે પોતાના સંતો-ભક્તોને પડતી તકલીફ જોઈ ન શકતા.

     એટલે જ સદ્. પ્રેમાનંદ સ્વામીએ ચેષ્ટાના પદમાં કહ્યું છે કે :

     “અતિ દયાળુ રે, સ્વભાવ છે સ્વામીનો...”