બ્રહ્મચારી તો ઊર્ધ્વરેતા છે...
એક સમયને વિષે શ્રીજીમહારાજની અંગત સેવાનો લાભ લેનાર મૂળજી બ્રહ્મચારી રસોઈ જમાડતા હતા.
રસોઈમાં બ્રહ્મચારીએ સારી પેઠે ઘી નાખીને વંતાક (રીંગણ)નું શાક તથા બાજરાનો રોટલો બનાવેલો. તેમાં પણ સારી પેઠે ઘી નાખેલું.
મૂળજી બ્રહ્મચારી જમતા હતા તેવા સમામાં મહારાજ આવ્યા અને મૂળજી બ્રહ્મચારીને જમતા જોઈ બોલ્યા,
“બ્રહ્મચારી ! શું કર્યું છે ?”
“મહારાજ ! વંતાકનું શાક અને બાજરાનો રોટલો, આપ પણ જમવા બિરાજો દયાળુ !”
મહારાજ જમાડવા બિરાજ્યા અને જમતાં જમતાં કહ્યું,
“જુઓને, કેવું શાક કર્યું છે ? આ તો કર્મની રેખ પર મેખ મારી છે, નહિ તો સ્વાદિયો હોય તે નિષ્કામી ન હોય પણ આ બ્રહ્મચારી તો ઊર્ધ્વરેતા છે, આ બ્રહ્મચારી તો આકાશ જેવા નિર્લેપ છે, અને જેટલા ઇશ્વરના ગુણ છે તેટલા સર્વે બ્રહ્મચારીમાં વર્તે છે.” આટલું કહી મહારાજે બ્રહ્મચારીના બહુ વખાણ કર્યા.
ત્યારે બ્રહ્મચારીએ કહ્યું, “મહારાજ ! આ તો બધો આપનો પ્રતાપ છે, આપની કૃપાએ વિષયનો સંકલ્પ સુધ્ધાંય થતો નથી.”