“મહારાજ, લો આ તમારી લાકડી અને આ તમારો ધાબળો, અમો એક મહિનાથી જલેબી ખાઈ ખાઈને થાકી ગયા માટે હવે અમે ઢોરાં ચરાવવા નહિ જઈએ.”

દાદાખાચરના ગોવાળ બીજલ અને જોધાએ મહારાજને રાવ (ફરિયાદ) કરી.

“તો તમારે જમવામાં શું જોઈએ છે ?” મહારાજે વિનમ્રભાવે પૂછ્યું.

“મહારાજ, અમારે તો એક એક પાલીનો મોટો બાજરીનો રોટલો અને ઉપર બે બે મરચાં હોય તો ઢોર ચરાવવા જઈએ નહિતર નથી જવું.”

આ સાંભળતાં શ્રીજીમહારાજને અવરભાવમાં દાદાખાચરના વ્યવહારની ચિંતા થવા લાગી. તેથી મહારાજે તેમને કહ્યું,

“સારું, તમારી ઇચ્છા મુજબ તમને રોટલા ને મરચાં મળી જશે...”

મહારાજનું વચન સાંભળી બીજલ અને જોધાને નિરાંત થઈ. તેઓ મહારાજનાં દર્શન કરી જતા હતા ત્યાં મહારાજે જીવુબાને કહ્યું,

“આમને ભાણામાં એક એક બાજરાનો મોટો રોટલો કરી આપજો ને મરચાં પણ આપજો.”

આમ, અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ શ્રીજીમહારાજે દાદાખાચરના વ્યવહારની ચિંતા રાખી પોતાનું ભક્તવત્સલપણું જણાવ્યું.