શ્રીહરિએ મઠનો રોટલો જમાડી બાઈને છાશથી વર્તમાન ધરાવ્યા.
ગુજરાતમાં એક બાઈ મઠના રોટલા કરતાં હતાં. તેમાં એક રોટલો બહુ જ ફૂલ્યો તે જોઈ એ બહેન બોલ્યાં,
“ઓહો ! પૃથ્વી ઉપર ભગવાન ન મળે નહિતર આ રોટલો તેને જમાડું તેવો થયો છે.” પછી તે બહેન ભાતું લઈ ખેતરે જતાં હતાં.
તેટલામાં શ્રીજીમહારાજ દિવ્ય સ્વરૂપે સ્વાર સહિત મળ્યા ને કહ્યું,
“બાઈ ! અમારો રોટલો લાવ.”
“મહારાજ ! તમારો રોટલો આમાં કેવો ?”
“તું કહેતી હતી કે ભગવાન જમે એવો છે.” પછી તે બાઈએ ભાતું નીચે ઉતારીને મહારાજને રોટલો આપવા માંડ્યો. ત્યારે મહારાજ બોલ્યા જે,
“એ રોટલાને અમો ઓળખીએ છીએ, એ જરા દાઝેલો છે.”
એ બાઈને મહારાજ પરત્વે ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો અને કહ્યું,
“મહાપ્રભુ, મને વર્તમાન ધરાવો.”
પછી મહારાજે તેમની પાસેથી છાશની દોણી ઊતરાવી છાશથી વર્તમાન ધરાવ્યા.