પ.પૂ.બાપજીએ હરિભક્તોના અવગુણને જોયા વિના પ્રાર્થના કરી.
“જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે.....
હે મહારાજ.... હે બાપા... હે સદ્ગુરુ... જેવો તેવો તોય સત્સંગી તો છે ને... મહારાજ આપનો દીકરો તો છે ને...”
આમ ગુરુવર્ય પ.પૂ.બાપજી એક હરિભક્ત માટે મહારાજને પ્રાર્થના કરતા હતા. ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ગમે તેવો હોય પરંતુ કોઈના અવગુણોને જોયા જ નથી. માત્ર ગુણો જોઈને જ પ્રાર્થના સ્વીકારી છે.
તા. ૧૫-૭-૧૮ ને રવિવારના રોજ ગુરુવર્ય પ.પૂ.બાપજી પોતાના નિત્યક્રમ અનુસારે સાંજે હરિભક્તોને દર્શન આપીને સુખિયા કરી રહ્યા હતા. તે સમયે એક હરિભક્તે ગુરુવર્ય પ.પૂ.બાપજીને વ્યવહારિક મૂંઝવણ અંગે પ્રાર્થના કરી. ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “મહારાજની મરજી હશે તેમ થશે.”
આમ કહી ગુરુવર્ય પ.પૂ.બાપજી વ્હિલચેરમાં પ્રદક્ષિણા કરવા લાગ્યા. પ્રદક્ષિણા પૂર્ણ કરીને ગુરુવર્ય પ.પૂ.બાપજી આસને પધાર્યા ત્યારે સેવક સંતને કહ્યું,“પેલા હરિભક્ત આવ્યા હતા તે આજ્ઞામાં રહેતા નથી. મહારાજ તેમની પ્રાર્થના સાંભળે નહિ તેવા છે. તોપણ આપણે મહારાજને પ્રાર્થના કરીએ કે,“જેવો તેવો તોય પુત્ર તમારો, અણસમજુ અહંકારી રે...”
આમ, ઉપરોક્ત મુજબ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ તે હરિભક્ત માટે પ્રાર્થના કરી.