શ્રીહરિએ સાંઢ રૂપે આવેલ અસુર થકી સભાની રક્ષા કરી
“હે મહારાજ ! આજ તો ગયા !”
“હા, આજ તો મૃત્યુ નિશ્ચિત છે.”
“આજ આ સાંઢિયો આપણને અક્ષરધામ દેખાડીને જ રહેશે.”
વાત એમ હતી કે દાદાખાચરના દરબારમાં સભા બેઠી હતી તેવામાં એક સાંઢ અતિ વેગમાં દોડતો સભા વચ્ચે પડવા આવ્યો. તેને દેખીને સભાજનોના મનમાં ભય ઉત્પન્ન થયો અને ઉપરોક્ત ઉદ્ગારો સરી પડ્યા.
ત્યારે સૌ સંતો-ભક્તોના અવરભાવી રક્ષાકવચ બનતાં શ્રીહરિએ સ્વ હસ્ત ઊંચો કરીને હાકોટો માર્યો.
અને સભાની પાછળ ઊભો રહી અને ઊંચો ઊછળી પડ્યો. વળી ઊભો થઈ પાછો પડ્યો. એમ ત્રણ વાર ઊછળીને પડ્યો.
સાંઢને તો સભાજનોને રંજાડી ભોંય ભેગા કરવા હતા પણ શ્રીહરિના પ્રતાપે સભાજનો તો સલામત હતા પણ પોતે પછડાટ ખાઈને વારંવાર ભોંય ભેગો થતો ભાગી ગયો. તે જોઈ એક સંત બોલ્યા જે,
“હે મહારાજ ! આજ તો અમારું મૃત્યુ નિશ્ચિત હતું તે તમે રક્ષા કરી. ને આ સાંઢ કોણ હતો ?”
“એ તો અસુર હતો. તમારો જીવ લેવા જ આવ્યો હતો પણ અમારા પ્રતાપે આપની રક્ષા થઈ.”