ગુરુવર્ય પ.પૂ. બાપજી મહારાજનો પ્રગટભાવ દૃઢ કરાવતા
થોડાં વર્ષો પહેલાં ગુરુવર્ય પ.પૂ. બાપજીએ વાસણા મંદિરે સેવામાં રહેતા સ્ટાફમુક્તોને એકાદશીએ એક જ ટાઇમ ફરાળ કરવું એવો નિયમ આપ્યો હતો.
એ એક ટાઇમમાં સવારે પૂજાની પ્રસાદી પણ ન જમવી એવી રુચિ જણાવી હતી. એક દિવસ એકાદશીના દિવસે મંગળા આરતીની થોડી વાર હતી.
ગુરુવર્ય પ.પૂ. બાપજી સેવાધારીમુક્તો જે હૉલમાં પૂજા કરતા હતા ત્યાં પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી પાછળથી આવી રહેલા તેની કોઈને ખબર નહોતી.
એક હરિભક્તે પૂજા પૂર્ણ કર્યા બાદ સહેજ આજુબાજુ નજર કરી.
કોઈ ન દેખાતાં તુરત તેઓ પૂજાની પ્રસાદી જમાડીને પૂજા સમેટવા લાગ્યા. એ જ વખતે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ પાછળથી આ જોયું હોવાથી નજીક પધાર્યા.
તેમના મસ્તક ઉપર હસ્ત મૂકી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “ભગત, વાંધો નહિ પ્રસાદી જમાડી જાવ. મહારાજ સદાય પ્રગટ-પ્રત્યક્ષ છે માટે મને કોઈ જોતું નથી એવો ભાવ ન રાખવો. મહારાજ ક્યાં ન હોય ? બધે જ હોય. માટે સદાય તેમનું પ્રગટપણું દૃઢ કરી રાખવું.”
આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજી પ્રસંગોપાત્ત પ્રતિમા મૂર્તિને વિષે, દિવ્ય રૂપે મહારાજ સદાય પ્રગટ-પ્રત્યક્ષ જ છે તેની દઢતા કરાવતા રહ્યા છે.