શ્રીહરિ ગરીબ કડિયાનો ભાવ જોઈ ઘરે જમવા પધાર્યા
એક વાર મહાપ્રભુનું ગોંડલમાં ધામધૂમથી સામૈયું થતું જોઈ સામૈયામાં સામેલ ગરીબ કડિયો પણ મનોમન વિચારે :
‘મહારાજ મારા ગરીબનું આંગણું પાવન કરે ખરા...? જો પાવન કરે તો મારી સાત પેઢી તરી જાય !’
‘પણ ક્યાં મહારાજ અને ક્યાં હું...? ક્યાં આ રાજાશાહી દરબારનો મહેલ અને ક્યાં મારી નાની ઝૂંપડી !’
વળી વિચાર આવે :
‘કંઈ નહિ કહી જ નાખ, ભગવાન તો દયાળુ છે, ગરીબનિવાજ છે, તું કહી તો જો.’
પાછો વિચાર માંડી વાળે, ‘હું તો સાવેય ગરીબ, મહારાજને મારે ઘેર લઈ જવાય ?’
અંતે વિચારોનું જોર પકડાતાં સભા વચ્ચે એકદમ જ બોલાઈ ગયું,
“મહારાજ ! આપ તો ગરીબનિવાજ કહેવાઓ, આપ રાજનિવાજ ક્યારથી થયા !”
આ સાંભળી સભા ચોંકી ઊઠી.
મહારાજ મર્માળું હસ્યા ને કહ્યું, “તું ક્યારનો બેઠો છે પણ તારે ઘરે લઈ જવાનું તો કહેતો નથી ? ચાલ ઊઠ, આગળ થા ! હું ક્યારનો ભૂખ્યો છું.”
ગરીબ કડિયો તો રાજીનો રેડ થઈ નાચી ઊઠ્યો અને મહારાજને ઘરે લઈ જઈ ઘરમાં પડેલો સૂકો રોટલો જમાડી રાજી કર્યા.
આવી રીતે મહાપ્રભુ પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરી અનેરા લાડ લડાવતા.