ચલવી લેતા શીખવું...
અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી હસ્તનો દુખાવો દેખાડી રહ્યા છે. ત્યારે હસ્તે તકલીફ ન પડે તે હેતુથી પૂ. સંતોએ જમાડતી વખતે પત્તર મૂકવા માટે સામે ટેબલ મૂકેલું.
તે વખતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “અત્યારે ટેબલની જરૂર નથી. અમને અત્યારે હાથનો દુખાવો નથી. અત્યારે જરૂર નથી, જરૂર હોય તો અમે લઈએ જ છીએ ને ! ટેબલ વગર બધાય પૂ. સંતોથી નિકટ જમાડવા બેસાય ને...”
બધા સંતોએ ભેગા થઈ આગ્રહ કર્યો, “દયાળુ, રાજી રહેજો પણ આપને અવરભાવની તકલીફ છે માટે પ્રાર્થના સ્વીકારો...”
“સંતો, સાધુએ થોડું સહન કરતા ને ચલાવતા શીખવું જોઈએ. માટે મહારાજનું ગમતું અમારે કરવું છે, સંતો રાજી રહેજો...”
આમ કહી તેઓએ આખો દિવસ હસ્તમાં જ પત્તર રાખી જમાડ્યું પણ ટેબલનો સ્વીકાર ન કર્યો. ત્યારબાદ ત્રણ દિવસ આ જ રીત ચાલુ રાખી.
આ રીત દ્વારા મહારાજની ઇચ્છાથી જે મળે તે સ્વીકારી લેવું, ચલવી લેતા શીખવું જોઈએ.