ગુરુ મહિમાનું સ્વરૂપ એટલે જ ગુરુદેવ પ.પૂ. બાપજી
એક વખત સત્સંગ પારાયણનું આયોજન થયું હતું. પારાયણનું આયોજન મોટા પાયે હતું. વૃષપુરમાં બાપાશ્રીના પ્રાસાદિક સ્થાનમાં હરિભક્તોના ઉતારા, જમાડવા-પોઢાડવા-બેસાડવાની વ્યવસ્થા માટે ઘણું આયોજન કરવું પડે.આ પારાયણની મુખ્ય જવાબદારી સદ્. મુનિસ્વામીના શિરે હતી. પારાયણમાં કથા પણ તેમને વાંચવાની.
સદ્. મુનિસ્વામી તો નિરંતર મૂર્તિના સુખમાં જ લુબ્ધ રહેતા. સ્વામીની આવી રીત જોઈ સંતોને થતું કે સ્વામીને વ્યવહારની બાબતમાં કાંઈ બહુ ખબર પડતી નથી.
પારાયણ પ્રસંગે બે-ત્રણ સંતો અંદરોઅંદર ચર્ચા કરતા હતા કે, “સદ્. મુનિસ્વામીને વ્યવહારમાં બહુ ગમ પડતી નથી. માટે પારાયણમાં બીજા કોઈ મોટા સંતને બોલાવવા જોઈએ.” આ ચર્ચાના શબ્દો ગુરુદેવ પ.પૂ. બાપજીના કર્ણપટ પર પડ્યા.
ગુરુદેવ પ.પૂ. બાપજી ક્ષણનોય વિલંબ કર્યા વિના ઊભા થઈ ગયા અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “ખબડદાર, મારા ગુરુ વિષે ફરી હીણું બોલ્યા છો તો ? તમને શું ખબર પડે ? એ દિવ્યપુરુષ તો હથેળીમાં જળનું ટીપું દેખાય તેમ અનંતકોટિ બ્રહ્માંડોને સાહજિકતાથી દેખી શકે એવા સમર્થ છે. દિવ્ય સ્વરૂપ છે, અંતર્યામી સ્વરૂપ છે. આ તો બધું ઢાંકીને વર્તે છે. અને તમે કહો છો કે એમને ગમ નથી પડતી. એમને બધી જ ખબર પડે છે. પરંતુ તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ નિમગ્ન રહે છે. તેમની સ્થિતિનો તમને શું ખ્યાલ હોય ? માટે એમનામાં સંકલ્પ ન કરશો; નહિ તો સોથાં ઊડી જશે.”
આમ, પ્રસંગોપાત્ત તેમજ સદાય ગુરુદેવ પ.પૂ. બાપજીનો ગુરુમહિમા સહેજે વિલસતો જોવા મળે છે.