ત્યાં સુધી મહામંત્રની ધૂન કરીએ...
તા. ૨૭-૧૦-૨૦૧૩ ને ગુરુવારના રોજ ગુરુદેવ પ.પૂ. બાપજી મોરબી ખાતે શિબિરમાં લાભ આપવા પધાર્યા હતા. સભાનો સમય સવારે દસથી બપોરના એક વાગ્યા સુધીનો હતો. સમયપાલક ગુરુદેવ પ.પૂ. બાપજી સૌને સુખિયા કરવા માટે સમય પહેલાં પાંચ મિનિટ અગાઉ સભાહૉલમાં આસન પર બિરાજી ગયા હતા. કથાનો સમય થઈ ગયો હતો પરંતુ ગુરુદેવની અમીદૃષ્ટિ કોઈકને શોધી રહી હતી.
“બીજા કેટલાય હરિભક્તો હજુ દેખાતા નથી. ક્યાં છે બધા ? અલ્યા, વસંતલાલ નથી દેખાતા... આવ્યા નથી હજુ ?”
ગુરુદેવે ઉત્સુકતાથી બીજા ચાર-પાંચ હરિભક્તોનાં નામ લઈ પૂછ્યું.
“બાપજી ! એ બધા થોડી સેવામાં રોકાયેલા છે. હમણાં જ આવે છે. આપ કથા શરૂ કરી દો.” હરિભક્તોએ ઉતર આપતાં કહ્યું.
“ના. એમને આવવા દો. એ આવે પછી કથા કરીશું. અમે કથા ચાલુ કરી દઈએ અને જે બાબત ચાલે તે સમજવાની તેમને બાકી રહી જાય તો તેમાં કાંઈ ખબર ન પડે. માટે એ બધા આવે પછી કથા કરીએ. ત્યાં સુધી સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરીએ.” એમ કહી ગુરુદેવ પ.પૂ. બાપજી ધૂન કરવા લાગ્યા. પાંચ મિનિટમાં વસંતલાલ આદિ હરિભક્તો આવ્યા. પછી જ ગુરુદેવે કથાનો પ્રારંભ કર્યો.
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ એક એક હરિભક્તનું વ્યક્તિગત જતન કરી તેમનામાં સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરી ઉપાસનાના અવિચળ ખૂંટ ખોડ્યા છે. જેનો સમગ્ર SMVS સમાજ સાક્ષી બની રહ્યો છે.