વર્તીને સાધુતા શિખવાડી
તા. ૧૯-૪-૧૮ ને ગુરુવારના રોજ ગુરુજી સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પોતાના આસનેથી સંત રસોડામાં ઠાકોરજી જમાડવા માટે પધારતા હતા. ત્યારે આસનની બહાર એક સાધકમુક્તે પ્રાર્થના કરતાં કહ્યું, “દયાળુ ! લિફ્ટ આવે જ છે, માટે આપ લિફ્ટમાં પધારોને...”
“ચાલશે... જરૂર નથી.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પ્રત્યુત્તર આપતાં પોતે પગથિયાં ઊતરવા લાગ્યા.
પગથિયાં ઊતરતાં ઊતરતાં ગુરુજીએ સાધકમુક્તને કહ્યું, “લિફ્ટની રાહ જોઈને ઊભું થોડું રહેવાય...!” સાથે વાલપની રીત શીખવતાં કહ્યું, “બાપાશ્રીની વાતોમાં કહ્યું છે ને, ‘સિદ્ધિઓના ઢગલા થશે પરંતુ મળે તેટલું બધું ગ્રહણ ન કરવું.’ આ લિફ્ટ આપણા માટે સિદ્ધિ છે, શારીરિક તકલીફ કે મુશ્કેલી હોય કે બહુ ઊંચે જવાનું હોય તો લિફ્ટમાં જવાય તેનો વાંધો નહિ પણ ઊતરવામાં કયાં કષ્ટ પડે ? માટે ન વાપરીએ તો ચાલે. સાધુએ તો બને તેટલું હલવી લેતા શીખવું જોઈએ.”
આમ, પોતે સિદ્ધ હોવા છતાં સાધુતામાં વર્તી સાધકમુક્તને સાધુતા શીખવી.